Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે ફી કમિટી સમક્ષ સ્કૂલોએ 31 માર્ચ સુધીમાં દરખાસ્ત રજૂ કરવા તાકીદ

નક્કી કરેલા ધોરણ કરતા વધુ ફી લેવા માંગતી સ્કૂલો પાસેથી દરખાસ્ત મંગાવી ફી કમિટી દ્વારા તેમની ફી નક્કી કરવામાં આવશે

અમદાવાદ : રાજ્યની  ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે ફી કમિટી સમક્ષ સ્કૂલોએ 31 માર્ચ સુધીમાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે. તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડી શાળા સંચાલકોને ફી અંગેની દરખાસ્ત 31 માર્ચ સુધીમાં રજૂ કરવા માટે જણાવ્યું છે. જેના પગલે આગામી દિવસોમાં સ્કૂલો દ્વારા દરખાસ્ત રજૂ કરવા માટે ભારે ધસારો થશે. ફી કમિટી દ્વારા નવા વર્ષની ફી નક્કી કરવાની કામગીરી હાથ પર લેવામાં આવનારી હોવાથી સ્કૂલોને વહેલીતકે દરખાસ્ત રજૂ કરવા માટે જણાવાયું છે

રાજ્યની ખાનગી સ્કૂલો દ્વારા લેવામાં આવતી બેફામ ફી પર લગામ કસવા માટે સરકાર દ્વારા ફી નિયમન વિધેયક પસાર કર્યો હતો. જેમાં ખાનગી સ્કૂલોની ફીનું ધોરણ નક્કી કર્યું હતું અને નક્કી કરેલા ધોરણ કરતા વધુ ફી લેવા માંગતી સ્કૂલો પાસેથી દરખાસ્ત મંગાવી ફી કમિટી દ્વારા તેમની ફી નક્કી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલોની રૂ. 15 હજાર, માધ્યમિક સ્કૂલોની રૂ. 25 હજાર અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની રૂ. 30 હજાર ફી નક્કી કરાઈ છે.

હવે જે સ્કૂલો આ નક્કી ધોરણ કરતા વધુ ફી લેવા માંગતી હોય તેમણે ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ખાનગી સ્કૂલોની ફી અંગેની દરખાસ્તને લઈને નોટીફીકેશન બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, સ્કૂલોએ 31 માર્ચ સુધીમાં દરખાસ્ત મોકલી આપવાની રહેશે. જેથી ફી કમિટી દ્વારા દરખાસ્તનો અભ્યાસ કરી સ્કૂલોની ફી નક્કી કરવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ફી નિયંત્રણ કમિટીની રચના કર્યા બાદ પણ દર વર્ષે ખાનગી શાળાઓ તરફથી વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં પણ આ અંગેનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેમાં સરકારે બે શાળા સંચાલકો સામે ફી વધારા અંગેની ફરિયાદ આવી હોવાની હકીકતનો સ્વીકાર કર્યો હતો. ફી વધારા પાછળ શાળા સંચાલકો તરફથી શિક્ષણ પાછળ થતાં વધુ ખર્ચ સામે ફી વધારે રાખવામાં આવતી હોવાની રજૂઆત થતી હોય છે. બીજી તરફ વાલીઓ તરફથી આ ફી વધારાનો વિરોધ થતો હોય છે. તેને નિયંત્રણમાં રાખવા માટે જ સરકારે ફી નિયંત્રણ કમિટીની રચના કરી છે.

(11:19 pm IST)