Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

PSIની પરીક્ષા અંગે ગેરસમજ ફેલાવનારા સામે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

PSIની પરીક્ષામાં અનામત કેટેગરીને અન્યાય થતો હોવાની ગેરસમજ:પારદર્શિતા સાથે ભરતી કરવામાં આવતી હોવાનો ગૃહ રાજયમંત્રીનો દાવો

તાજેતરમાં ગૃહ વિભાગ હસ્તકની રાજય પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા જાહેર કરાયેલી બિન હથિયારી પી.એસ.આઇ., હથિયારી પી.એસ.આઇ., એ.એસ.આઇ. અને ઇન્ટેલજન્સ ઓફીસર સંવર્ગની વિવિધ જગ્યાઓમાં અનામત કેટેગરીને અન્યાય થતો હોવાની રાજકીય નિવેદનબાજી કરી કેટલાંક લોકો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સમાજમાં વૈમનસ્ય ઊભું કરવાના બદઇરાદાપૂર્વકનું આવું કુત્ય કરનારા તત્વોને સાંખી લેવાશે નહીં. તદ્દન પાયાવિહોણી પોસ્ટ બનાવીને સોશિયલ મીડીયામાં ફેરવતા તત્વોને શોધી કાઢવા માટે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતુત્વવાળી સરકાર અનુસૂચિત જાતિ-જનજાતિ સહિતના સમાજના તમામ વર્ગોના હિતોનું રક્ષણ કરતી સરકાર છે. અમારો પક્ષ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને સમાન ન્યાયની વિચારધારાને વરેલો પક્ષ છે. પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતા આ ચાર મુખ્ય સ્તંભના આધાર ઉપર ચાલતી અમારી સરકાર કોઇને પણ અન્યાય થવા દેશે નહીં. વંચિતો, શોષિતોનો વિકાસ અને ઉત્થાન થાય એજ અમારો સંકલ્પ અને ધ્યેય છે. અમને ગ્યાતિવાદ, જાતિવાદ કે કોમવાદની રાજનીતિ ફાવતી જ નથી. અમે આવી રાજનીતિ શીખવા માંગતા પમ નથી.

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, વર્ષ 1997માં સુપ્રિમ કોર્ટના છ જજોની બેંચ મારફતે ચુકાદો અપાયો હતો કે, અનામત વર્ગોની જગ્યાઓ વેકેન્સી બેઝ ભરવાના બદલે પોસ્ટ બેઝ ( સંવર્ગ બળ )ને આધારે ભરી સમગ્ર ભરતી પ્રક્રિયા કરવાની રહેશે. તે મુજબ જ દર વખતે નિયમાનુસાર સંપૂર્ણ પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ગઇકાલે જ મીડીયાને સંબોધીને સ્પષ્ટતા કરી હતી. તેમ છતાંઆ મુદ્દાને કેટલાંક લોકો દ્વારા ઇરાદાપૂર્વક રાજકીય રંગ અપાઇ રહ્યો છે. ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગની બેઠકોમાં કોઇપણ પ્રકારનો ઘટાડો થયો નથી કે કરવા માંગતા પણ નથી. આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમાનુસાર કરવામાં આવી રહી છે

તેમણે વધુમાં 10-2-95ના રોજ સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના ચુકાદા અન્વયે ગુજરાત સરકારે 1997 અને તે પછી વખતો વખતના ઠરાવથી અનામતની જગ્યાઓ સીધી ભરતીમાં રોસ્ટરની અમલવારી કરી તેની પધ્ધતિ નક્કી કરેલી છે. તે પછીની અનામત જગ્યાઓ ભરવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તમામ વિભાગોના જુદા જુદા સંવર્ગોના નિભાવેલા રોસ્ટર રજિસ્ટરો સમયાંતરે અને ખાસ કરીને જયારે ભરતી પ્રક્રિયા કરવાની હોય ત્યારે પ્રમાણિત કરે છે. રોસ્ટર પધ્ધતિથી અનામત વર્ગોમાં જે તે સમયે વધ છે કે ઘટ છે તે બહાર આવી જાય છે. તે પછીની ભરતીમાં એ ધ્યાને લેવામાં આવે છે. વિશેષમાં અનામત વર્ગની વ્યક્તિ મેરીટના ધોરણે બિન અનામત જગ્યા ઉપર ભરતી પામે તો તેને અનામત જગ્યા ગણવામાં આવતી નથી.

(11:17 pm IST)