Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મર્ડર સંદર્ભે PSI ની ધરપકડની માંગ કરતા ગાંધીનગરમાં જીગ્નેશ મેવાણી સહીત 600 જેટલા કાર્યકરોની અટકાયત

PSI ભરતીની વિસંગતતા અને ઘોઘામાં દલિત સમુદાયના આરટીઆઈ કાર્યકર્તા અમરાભાઈની હત્યા મામલે PSI ની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી PSI ભરતીની વિસંગતતા અને ઘોઘામાં દલિત કાર્યકર્તાનું કરવામાં આવેલ મર્ડર સંદર્ભે PSIની ધરપકડ કરવા મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે ગાંધીનગર ખાતે 11 વાગેના સુમારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સમર્થકો દ્વારા વિધાનસભા ગેટ નંબર 1 અને ધારાસભ્ય નિવાસ ખાતે મોટી સંખ્યામાં વિરોધ કરતાં પોલીસ દ્વારા અટકાયતી પગલાંના ભાગરૂપે ડિટેઇન કરીને અલગ અલગ પોલીસ મથકોએ લઈ જવામાં આવ્યા હતા.

  ભાવનગરના ઘોઘામાં દલિત સમુદાયના આરટીઆઈ કાર્યકર્તા અમરાભાઈ બોરિચાનું માથાભારે શખ્સો દ્વારા ખૂન કરી નાંખવામાં આવ્યું હતું અને આ કેસમાં PSIને ઉચ્ચ અધિકારીઓએ સસ્પેન્ડ પણ કર્યો હતો. PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો પરંતુ તેની ધરપકડ કરવામાં ન આવતા જીગ્નેશ મેવાણીએ સતત એક અઠવાડિયા સુધી મુદ્દાને વિધાનસભા અને મીડિયાના માધ્યમથી ઉજાગર કર્યો હતો અને 23મી માર્ચે આ મુદ્દે સબળ આંદોલન કરવાની અને વિધાનસભાના ગેટ નંબર 1 આગળ રજૂઆત કરવાની ચીમકી આપી હતી

  આ ચીમકીના પગલે પોલીસ દ્વારા કેટલાય દલિત આગેવાનો અને કાર્યકર્તાઑને ડિટેન કરી ધીધા હતા. આજે સવારે વિધાનસભા ગેટ ઉપર 600 જેટલા કાર્યકર્તાઑને પોલીસ અટકાયત કરી ગાંધીનગર પોલીસ હેડ ક્વાટર્સ, અડાલજ પોલીસ મથક, ડભોડા પોલીસ મથક અને કરાઈ ખાતે રાખવામાં આવ્યા હતા

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ટીમના કાર્યકર્તા સાથે ધારાસભ્ય નિવાસના ગેટ આગળથી જ અટકાયત કરી હતી અને તેમને ગાંધીનગર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ રાખવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે આ મુદ્દે જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં 3 વખત સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગૃહ મંત્રીને સીધો પ્રશ્ન કર્યો હતો કે PSIની ધરકપકડ ક્યારે કરવામાં આવશે. જીગ્નેશ મેવાણીને એક દિવસ માથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

જીગ્નેશ મેવાણીએ ગુજરાત એક્સક્લૂઝિવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે એવી ઘટનાઓ સામે આવે છે કે જેમાં દલિત સમુદાયના વ્યક્તિ કે દલિત સામાજીક કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવે છે. હાલ પણ ગુજરાતમાં 4 જેટલા દલિત સામાજીક કાર્યકરોને જીવનું જોખમ છે અને તેમને અસામાજિક તત્વો મોતને ઘાટ ઉતારી દે તેવો ખતરો છે

(9:16 pm IST)