Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સહકારી ક્ષેત્રે ગુજરાત રાજ્ય દેશનું મોડલ :રાજ્યના અવિરત વિકાસમાં સહકારી પ્રવૃત્તિઓનું સવિશેષ યોગદાન:મંત્રી જયેશભાઈ રાદડીયા

સહકારી સંસ્થાઓએ રાજ્યમાં આર્થિક ઉપાર્જનમાં તો મહત્વનું યોગદાન આપ્યું, સાથે સાથે સામાજિક સમરસતાની ભાવના ફેલાવવાનું પણ અગત્યનું કાર્ય કર્યું : સહકારી પ્રવૃતિ વધુ મજબૂત બને અને સભાસદો આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સહાય આપવા કટિબદ્ધ:સહકાર વિભાગ માટે આ વર્ષે રૂા.૧૩૪૬.૯૧ કરોડની અંદાજપત્રિય જોગવાઇ:સંવેદનશીલ સરકાર દ્વારા ખેત પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનો ઉભા કરવા સહાય આપવાની વિવિધ યોજનાઓ અમલમાં:રાજ્યનો ખેડૂત પોતાનો માલ રાજ્ય બહાર પણ વેચી શકે તે માટે ઇ-નામ પ્લેટફોર્મ મારફત બજાર સમિતિઓને સાંકળવાનો પ્રયાસ : રાજ્યની ૧૨૨ બજાર સમિતિઓને ઇ-નામ સાથે જોડવામાં આવી: રાજ્યમાં દૈનિક દૂધ એકત્રીકરણ ૨૧૫ લાખ લિટર પ્રતિદિન સુધી પહોચ્યું છે, આ સભાસદોને દૈનિક રૂ. ૯૦ થી ૧૦૦ કરોડ પ્રતિદિન દુધની કીંમત ચુકવવામાં આવે છે

ગાંધીનગર : સહકારી સંસ્થાઓ એ સહકારના સાત સિધ્ધાંતો અનુસાર લોકશાહી ઢબે, નહિ નફો નહિ નુકશાનના ધોરણે, પોતાના સભાસદોના વિકાસ સાથે સમાજ પરત્વે પોતાનું ઉત્તરદાયિત્વ અદા કરતા સ્વૈછિક સંગઠનો છે. સહકારી સંસ્થાઓએ રાજ્યમાં આર્થિક ઉપાર્જનમાં તો મહત્વનું યોગદાન આપેલુ જ છે, સાથે સાથે રાજ્યમાં સામાજિક સમરસતાની ભાવના ફેલાવવાનું પણ અગત્યનું કાર્ય કર્યું છે. રાજ્યમાં સહકારી પ્રવૃતિના વિકાસ માટેના સાનુકૂળ વાતાવરણના કારણે જ રાજ્યમાં હાલમાં ૮૧,૦૦૦ કરતા વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે. રાજ્યમાં સહકારી પ્રવૃતિ વધુ મજબૂત બને અને સહકારી પ્રવૃતિ સાથે જોડાયેલ સભાસદો આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સહાય આપવા કટિબદ્ધ છે. તે માટે સહકાર વિભાગ માટે આ વર્ષે રૂા.૧૩૪૬.૯૧ કરોડની અંદાજપત્રિય જોગવાઇ કરવામાં આવી છે તેમ મંત્રી  જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું છે.
 મંત્રીએ સહકારી સંસ્થાઓ દ્વારા ધિરાણ ક્ષેત્રે થયેલ કામગીરી અંગે જણાવ્યું કે, ૧ રાજ્ય સહકારી બેંક, ૧૮ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો તથા ૯,૭૦૦ થી વધારે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ મંડળીઓના ત્રિસ્તરીય સહકારી ધિરાણ માળખા થકી ગ્રામ્ય સ્તરે જરૂરિયાતમંદ તમામ ખેડૂત ખાતેદારોને ધિરાણ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્યમાં અમલમાં છે. રાજ્યના કુલ ૪૬.૬૦ લાખ ખેડૂત ખાતેદાર પૈકી ૨૭.૬૭ લાખ ખેડૂત સભાસદોને ત્રિસ્તરીય સહકારી માળખા દ્વારા આવરી લેવામાં આવ્યા છે.
  મંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતો સામાન્ય રીતે ખેતી બેંક કે સહકારી ધિરાણ માળખા પાસેથી ધિરાણ મેળવતાં હોય છે. ખેડૂતોને વ્યાજનું ભારણ ઓછુ થાય અને તેનાથી ઉત્પાદન ખર્ચ ઓછુ થાય એ માટે રાજ્ય સરકારે સમયસર પાક ધિરાણ ભરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૧૭-૧૮ થી ૪ ટકા વ્યાજ રાહત આપવાની યોજના અમલમાં મુકેલ છે. આ યોજના અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂ.૧૦૦૦ કરોડ ની જોગવાઇ મંજુર થયેલ છે. જેની સામે અત્યાર સુધીમા રૂ. ૯૮૪.૧૬ કરોડની ચુકવણી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આ વર્ષે રૂ.૧૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ખેત પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનો ઉભા કરવા કાર્યરત સહાય અંગે મંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોનો માલ બગડી ન જાય તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા રાજ્યમાં ખેત પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનો ઉભા કરવા સહાય આપવાની વિવિધ યોજનાઓ અમલમાં છે. આ યોજના અંતર્ગત પ્રાથમિક ખેતી વિષયક સહકારી મંડળીઓને ૭૩% સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૨૧૭ ગોડાઉન દ્વારા કુલ ૨.૭૩ લાખ મેટ્રીક ટનની સંગ્રહ શક્તિ ઉભી થયેલ છે. તે ઉપરાંત વ્યક્તિગત ખેડૂતો, ખેતી વિષયક સહકારી મંડળીઓને ૧૦૦ થી ૫૦૦ મેટ્રિક ટનના ગોડાઉન બનાવવા પ્રોજેકટ કોસ્ટના ૨૫% સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨૩૭૮ ગોડાઉન થકી ૨,૨૭,૮૮૯ મેટ્રીક ટન સંગ્રહ શક્તિ ઉભી થયેલ છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. ૨૯ કરોડ સહાય ચુકવવામાં આવેલ છે. વર્ષ-૨૦૨૧-૨૨ માટે તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે ૫૦% કેપિટલ સહાયની યોજના હેઠળ રૂ.૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું કે, કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ રાજયની બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ ઉભી થાય તે માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. બજાર સમિતિઓમાં કિસાન કલ્પવૃક્ષ યોજના થકી ગોડાઉનો બનાવવા રાજ્ય સરકાર સહાય કરી રહી છે. બજાર સમિતિમાં હાલમાં મોટાભાગના ગોડાઉનો નાના કદના છે. બજાર સમિતિઓમાં ૫૦૦૦ મેટ્રીક ટન સુધીની ક્ષમતાવાળા ગોડાઉન બને તો ખેડૂતોના ખેત ઉત્પનનો સંગ્રહ થાય અને સાથે સાથે સરકારશ્રી દ્વારા જ્યારે ટેકાના ભાવ હેઠળ ખરીદી કરવામાં આવે ત્યારે પણ આ ગોડાઉનોનો સારો ઉપયોગ કરી શકાય તે બાબત ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા રાજયની બજાર સમિતિઓમાં મોટાકદના વેરહાઉસ ગોડાઉન બનાવવા સહાય આપવાની યોજના અંતર્ગત રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
  મંત્રીએ રાદડીયાએ ઉમેર્યું કે, ખેડૂતો ગ્રાહકોને સીધો જ માલ વેચી શકે જેથી તેઓને સારા ભાવ મળી રહે અને ગ્રાહકોને પણ વ્યાજબી ભાવે ખેતપેદાશ મળી રહે તે માટે અપની મંડી યોજના અંતર્ગત જરૂરી બજાર ઉભુ કરવા રૂ.૦.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આમ, ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ રૂ.૭૮ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. તે ઉપરાંત રાજ્યનો ખેડૂત પોતાનો માલ રાજ્ય બહાર પણ વેચી શકે તે માટે ઇ-નામ પ્લેટફોર્મ મારફત રાજ્યની મોટાભાગની બજાર સમિતિઓને સાંકળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. રાજ્યની ૧૨૨ બજાર સમિતિઓને ઇ-નામ સાથે જોડવામાં આવેલ છે.
 મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં શ્વેતક્રાંતિના ભાગ સ્વરૂપે ત્રિસ્તરીય સહકારી દૂધ ઉત્પાદનની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જે સમગ્ર વિશ્વમાં “અમુલ પેટર્ન”તરીકે ઓળખાય છે. ગુજરાતમાં દૂધ સહકારી પ્રવૃત્તિનાં નેજા  હેઠળ અંદાજે ૩૫ લાખ જેટલાં સભાસદો છે. જેમના થકી રાજ્યમાં દૈનિક દૂધ એકત્રીકરણ ૨૧૫ લાખ લિટર પ્રતિદિન સુધી પહોચેલ છે અને રાજ્યમાં આ સભાસદોને દૈનિક રૂ।. ૯૦ થી ૧૦૦ કરોડ પ્રતિદિન દુધની કીંમત ચુકવવામાં આવી રહી છે, જેથી ગુજરાતના આ દૂધ ઉત્પાદકો આર્થિક  રીતે સ્વાવલંબન પ્રાપ્ત કરી શકેલ છે.
રાજ્યની દૂધ સહકારી મંડળીઓ દ્વારા લોકડાઉનના સમય દરમ્યાન પણ મંડળી સભાસદોનું ૧૭૭ લાખ લીટર તેમજ બિન સભાસદ પશુપાલકોનું દૈનિક ૧૫ લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવેલ હતું. આમ, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના સમયમાં બિન સભાસદ પશુપાલકોની પણ ચિંતા કરી તેઓને આર્થિક નુકશાન થાય નહિ તેની નૈતિક જવાબદારી સમજી રાજ્યના પશુપાલકોની કાળજી રાખેલ છે.
 બીજી તરફ, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમ્યાન નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો તથા શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવથી અમલમાં મુકવામાં આવેલ છે.
 આ યોજના અંતર્ગત ગુજરાત રાજય સહકારી બેન્ક/જિલ્લા સહકારી બેન્કો/ મલ્ટીસ્ટેટ કો.ઓ. બેન્કો/નાગરિક સહકારી બેન્કો/ક્રેડીટ કો.ઓ. સોસાયટીઓ/ ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીઓ મારફત ૨% ના દરે લાભાર્થીઓને ૩ વર્ષની મુદ્દત માટે રૂ।.૧,૦૦,૦૦૦ સુધીની રકમનું બિન તારણ ધિરાણ પુરુ પાડવામાં આવેલ છે.
 આ યોજના અન્વયે તા ૩૦મી ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં કુલ રૂ.૧૫૬૩.૧૯ કરોડ રકમનું ધિરાણ મંજુર કરેલ છે. રાજ્ય સરકાર દ્વારા ધિરાણ કરનાર સંસ્થાને ૨% થી ૪% ઇન્સેન્ટીવ તથા લાભાર્થીઓને ૬% વ્યાજ સહાયની રકમ  ચુકવવાની થાય છે. જે પરત્વે સહકારી સંસ્થાઓનેરૂ।.૨૭.૧૨ કરોડની ચુકવણી કરવામા આવેલ છે. વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષના બજેટમાં રૂ।.૮૦.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
તે જ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમ્યાન નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો તથા શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજય સહકારી બેન્ક/ જિલ્લા સહકારી બેન્કો /મલ્ટીસ્ટેટ કો.ઓ. બેન્કો/ નાગરિક સહકારી બેન્કો મારફત ૪% ના દરે લાભાર્થીઓને ૩ વર્ષની મુદ્દત માટે રૂ।.૧,૦૦,૦૦૦ થી ૨,૫૦,૦૦૦ સુધીની રકમનું તારણવાળું ધિરાણ પુરું પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ તારીખ:-૧૯ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં કુલ રૂ.૯૩૯.૨૩ કરોડ રકમનું ધિરાણ મંજુર થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા ધિરાણ કરનાર સંસ્થાને ૨% થી ૪% ઇન્સેન્ટીવ તથા લાભાર્થીઓને ૪% વ્યાજ સહાયની રકમ ચુકવવાની થાય છે. વર્ષ ૨૦૨૦-૨૧ વર્ષ માટે કન્ટીજન્સી ફંડ તથા એડીશનલ ઓથોરાઇઝેશન દ્વારા રૂ. ૧૯૮૮.૦૭ લાખની ગ્રાન્ટની ફાળવણી થયેલ છે. જે પૈકી સહકારી સંસ્થાઓને રૂ.૩.૩૩ કરોડની ચુકવણી કરવામાં આવેલ છે.  વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂ।.૩૮.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
 મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સહકારી પ્રવૃત્તિએ ગુજરાત રાજ્યના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સહકારી ક્ષેત્રે આપણું રાજ્ય દેશનું મોડલ ગણાય છે. સહકારી પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે. રાજ્યના સહકારી ખાંડ ઉદ્યોગ સાથે અંદાજિત ૪.૫૦ લાખ ખેડૂતો સંકળાયેલા છે. રાજ્યમાં હાલ કુલ ૧૩ ખાંડ સહકારી મંડળીઓ કાર્યરત છે. જેની કુલ ૫૯૭૫૦ મેટ્રીકટનની દૈનિક પિલાણ ક્ષમતા સાથે કાર્યરત છે. રાજ્યનો સહકારી ખાંડ ઉદ્યોગ ભારત સરકાર દ્વારા શેરડીના પ્રતિ મેટ્ર્રીકટનના જાહેર કરવામાં આવતા એફ.આર.પી. (ફેર એન્‍ડ રેમ્યુનરેટીવ પ્રાઇઝ) ભાવ કરતાં પણ સારા ભાવો આપે છે જે નોંધનીય બાબત છે

  છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખાંડના ભાવો નીચા ગયા હોવાથી સમગ્ર ખાંડ ઉદ્યોગને ખાંડના ઉત્પાદન ખર્ચની સામે ખાંડના ભાવોની થતી ઓછી ઉપજના કારણોસર રાજ્યનો સહકારી ખાંડ ઉદ્યોગ નાણાંકિય તરલતાની તૂટ ભોગવી. ભારત સરકારે છેલ્લા બે વર્ષથી ખાંડના પ્રતિ કિવન્ટલ રૂા.૩૧૦૦/- લઘુતમ ભાવ જાહેર કરી ખાંડ ઉદ્યોગને રક્ષણ પુરુ પાડેલ છે. સહકારી ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા શેરડી ઉગાડતા ખેડૂતો અને સહકારી ખાંડ ઉદ્યોગનું સર્વગ્રાહી હિત સચવાય તે માટે રાજ્યના સહકારી ખાંડ ઉદ્યોગને રક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૧-૨૨માં જુદી જુદી યોજનાઓ હેઠળ રૂા.૨૫.૪૧ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. શેરડી પિલાણ સિઝન ૨૦૧૮-૧૯ ના શેરડી પેમેન્‍ટ માટે ખાંડ મીલોએ લીધેલ સોફ્ટલોન સામે, ભારત સરકારે એક વર્ષ માટે ૭% ની વ્યાજ રાહત માટેની યોજના અમલમાં મુકી છે. જે યોજના અંતર્ગત  રાજ્ય  સરકાર દ્વારા આ હેતુ માટે સહકારી ખાંડ મીલોએ બેંકોમાંથી લીધેલ લાંબાગાળાની સોફ્ટલોન સામે ૭% અથવા ખરેખર ચુકવેલ વ્યાજ બે માંથી જે ઓછુ હોય તે વધુ માં વધુ ૪ વર્ષ અથવા લોન ભરપાઇ થાય તે બે માંથી જે વહેલુ હોય તેટલા સમય માટે અમલમાં મુકેલ છે.  વર્ષ ૨૦૨૧-૨૨ માટે આ યોજના હેઠળખાંડ સહકારી મંડળીઓને વ્યાજ સહાયની ચુકવણી કરવા માટે રૂા. ૨૩.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ યોજનાના કારણોસર સહકારી ખાંડ મીલોને આ હેતુ માટેની લાંબાગાળાની બેંક લોનના વ્યાજ ભારણ સામે રક્ષણ મળશે. જેનો પ્રત્યક્ષ લાભ સહકારી ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામને થઈ શકશે.

(9:03 pm IST)