Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના મહામારી વચ્ચે નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણી મુલત્વી રાજકારણ ગરમાયુ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન અને લગભગ 30 હજાર જેટલા સભાસદો ધરાવતી નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ એટલે કે નર્મદા સુગરની 14 બેઠકો માટેની ચૂંટણી યોજવાનું જાહેરનામું 22મી માર્ચે પ્રસિદ્ધ થતા જ સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયુ હતું. એક બાજુ સુગર ફેક્ટરીને નિર્વિસ્ટ મંડળીને બદલે પ્રાથમિક મંડળી ગણવાનો ખાંડ નિયામકના પરિપત્ર સામે ખેડૂતોએ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને આ બાબત સબજ્યુડિસ છે.

 બીજી બાજુ કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાને લઇ નર્મદા કલેક્ટરે કલમ 144 અને 37 એ હેઠળનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમજ રાજ્ય સરકારની પણ ગાઈડલાઈન છે કે માત્ર કોરોના પ્રત્યેજ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આવા સમય ગાળામાં નર્મદા સુગરની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ખેડૂત આગેવાન કલ્પેશ દેસાઈ અને સુનિલ પટેલે નર્મદા કલેક્ટરને રજુઆત કરી હતી કે, કોરોના રોગચાળાની ગંભીરતાને લઈ રાજ્ય સરકાર પણ ચિંતિત છે અને રાજ્યસભાની ચૂંટણી પણ મોકૂફ રાખવાની વિચારણા છે ત્યારે નર્મદા સુગર ચૂંટણી પણ હાલ મુલતવી રાખવી જોઈએ.સાથે સાથે નર્મદા સુગર ચેરમેન અને એમડી વિરુદ્ધ જાહરનામના ભંગ બદલ એફઆઈઆર નોંધવા પણ રજુઆત કરાઈ છે.

દરમિયાન નર્મદા કલેક્ટરે જિલ્લા રજિસ્ટ્રારને નર્મદા સુગરની ચૂંટણી મુલતવી રાખવા આદેશ કરતા જિલ્લા રજિસ્ટ્રારે આ ચૂંટણી મોકૂફ રાખવા કાર્યવાહી કરી ખાંડ નિયામકને દરખાસ્ત કરતા નર્મદા સુગર લોબીમાં સન્નાટો છવાઈ ગયો હતો.જો કે અંતે નર્મદા કલેક્ટરે લેખિત આદેશ કરી નર્મદા ધારીખેડા સુગરની ચૂંટણી મુલત્વી રાખવાનો હુકમ કર્યો છે અને જ્યાંથી અટકી છે ત્યાંથી જ આગળ આદેશ થયે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.
નર્મદા સુગરની પ્રાથમિક મતદાર યાદી સામે સભાસદોએ વાંધો ઉઠાવી કેટલાક સભાસદોએ બોર્ડ ઓફ નોમોનીઝમાં અપીલ કરતા જાહેર યાદી પર પણ સ્ટે લાવવામાં આવ્યો છે.જોકે તુરંત ટ્રીબ્યુનલ માંથી એ સ્ટે ઉઠી પણ ગયો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે બોર્ડ ઓફ નોમોનીઝ અને ટ્રીબ્યુનલમાં ગુજરાત સરકારનો સીધો આદેશ મનાય છે. જેથી પોતાના સ્વાર્થ ખાતર ગાંધીનગર બેઠેલા એક મંત્રી એ સ્ટે અપાવ્યો પણ ખરો અને સ્વાર્થ પૂરો થતાં સ્ટે ઉઠાવી પણ લીધો. આમ નર્મદા-ભરૂચ જિલ્લાના સહકારી રાજકારણમાં એ વગદાર મંત્રીનો સીધો દોરી સંચાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
નર્મદા કલેક્ટરે પોતાના લેખિત આદેશમાં ચૂંટણી ક્યાં સુધી મુલત્વી રખાઈ છે એનો કોઈ ચોક્કસ સમય અને તારીખ દર્શાવી નથી.જ્યારે નર્મદા ધારીખેડા સુગર ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારી આ ચૂંટણી 31 માર્ચ 2020 સુધી મુલત્વી રાખવામાં આવે છે એમ જણાવ્યું છે. તો આમા સાચું કોણ નર્મદા કલેકટર કે નર્મદા સુગર ચૂંટણીના ચૂંટણી અધિકારી.

(9:08 pm IST)