Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દક્ષિણ ગુજરાતમાં લોકડાઉનનો ચુસ્ત અમલ

વેપાર ધંધા, દુકાનો, ઔદ્યોગિક એકમો જડબેસલાક બંધ : ગુજરાત - મહારાષ્ટ્ર - સંઘપ્રદેશની સરહદ સીલઃ તાપી જિલ્લાની બોર્ડરો પણ કરાઈ સીલ : દમણ - દીવમાં બહારથી આવતા વાહનો પર પણ પ્રતિબંધ

વાપી, તા. ૨૪ : સંઘપ્રદેશના દમણ અને સેલવાસ સહિત સમગ્ર દ.ગુજરાત પંથકમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાઈ રહ્યો છે.

વેપાર ધંધા - દુકાનો - ઔદ્યોગિક એકમો મોટાભાગે જડબેસલાક બંધ છે. કોરોનાના કહેરને લોકો પણ જાણે ગંભીરતાથી લઈ રહ્યા હોય તેમ બધુ જ ઠપ્પ જણાઈ રહ્યુ છે.

આમ છતાં કયાંક કોઈ કારણ સર કે અકારણસર બહાર નીકળે છે તો પોલીસ સ્થિતિ અનુસાર તેમની ખબર લઈ તાકીદ કરે છે. એટલુ જ નહિં સરકારના જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી પગલાની પણ તૈયારી રખાઈ છે.

ગુજરાતમાં તમામ સરહદોને સીલ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને ગુજરાત - મહાાષ્ટ્ર અને સંઘપ્રદેશની સરહદોને વધુ ચોકસાઈથી ચેકીંગ થઈ રહ્યુ છે. આપણી સરહદને અડોઅડ મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશને અડોઅડ આવતી બોર્ડર ઉપરથી પેસેન્જર વાહનોને અટકાવી જે તે સ્થળે પરત મોકલી રહ્યા છે.

આ ઉપરાંત તમામ ચેકપોસ્ટ ઉપર આરોગ્યની ટીમ પણ સતત ખડેપગે તૈનાત છે અને બહારથી આવનાર કોઈને કોરોના વાયરસ છે કે કેમ તેની પ્રાથમિક તપાસ પણ કરી રહી છે.

જયારે તાપી જીલ્લાની બોર્ડરો પર અવર - જવર ઉપર પણ રોક લગાવાઈ છે. સોનગઢ - ઉચ્છલ અને નિઝર સાથે જોડાયેલી મહાાષ્ટ્રની બોર્ડર પથી અવર-જવર અટકાવેલ છે.

એટલુ જ નહિં સોનગઢ આરટીઓ ચેકપોસ્ટના માર્ગે ગુજરાત પ્રવેશતા તમામ ખાનગી અને કોમર્શીયલ વ્હીકલને પણ ચકાસાય છે. તથા આ બોર્ડર ઉપરથી બહારથી આવતી પેસેન્જર બસો, ટેકસી અને મેકેનીકલ ઉપર પણ પ્રવેશબંધી ફરમાવી છે.નવસારી પંથકમાં પણ ચુસ્તપણે અમલ કરાવાઈ રહ્યો છે. સરકારી સુચનાનો અનાદર કરતા યુવકોને કયાંક કાયદાનું પણ ભાન કરાવ્યુ હતું. પ્રતિબંધ હોવા છતાં જીઆઈડીસીના કેટલાય એકમો ધમધમ્યા હતા.દ. ગુજરાત ઉપરાંત સંઘપ્રદેશના દમણ અને સેલવાસમાં પણ બંધનું ચુસ્ત પાલન કરાઈ રહ્યુ છે. અહિં પ્રદેશની બહારથી આવતા વાહનો પર પણ પ્રશાસને પ્રતિબંધ લગાવ્યો છે.

દીવ - દમણ - દાદરાનગર હવેલીમાં કોરોનાની મહામારીને રોકવા ૩૧ માર્ચ સુધી પ્રદેશમાં નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. આંતરરાજયોમાંથી આવતી ટેકસીઓ ઓટોરીક્ષાઓ અને ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે.

આ ઉપરાંત દમણમાં વિદેશથી આવેલા આશરે ૪૨ જેટલા વ્યકિતઓને હોમ કોરોન્ટાઈનમાં રખાયા છે. પોલીસ તેમજ આરોગ્ય તેમજ વહીવટી ટીમ સતત ખડેપગે કામે લાગી છે.

(3:33 pm IST)