Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

બોર્ડ પરીક્ષા : ઉત્તરવહીઓ માટેની તપાસ વધુ તીવ્ર બની

એપ્રિલના બીજા સપ્તાહ સુધી ચકાસણી પરિપૂર્ણ : ૧૬મી માર્ચથી ઉત્તરવહીઓની ચકાસણી શરૂ થઈ હતી આશરે ૧૮ લાખ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ જારી

અમદાવાદ, તા. ૨૪ : ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ હવે પેપર ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. એપ્રિલના બીજા સપ્તાહ સુધી આ પ્રક્રિયાને પરિપૂર્ણ કરી લેવામાં આવશે. ૨૩મી માર્ચના દિવસે બોર્ડની પરીક્ષા પરિપૂર્ણ કરવામાં આવી હતી. આ પરીક્ષા સાતમી માર્ચના દિવસે શરૂ થઈ હતી. બોર્ડના અધિકારીઓના કહેવા મુજબ આશરે ૧૮ લાખ ઉત્તરવાહીની ચકાસણીની પ્રક્રિયા ૧૬મી માર્ચથી શરૂ કરી દેવામાં આવી હતી. શિક્ષકોને આ પ્રક્રિયા એપ્રિલના બીજા સપ્તાહ સુધી પૂર્ણ કરવા માટે કહેવામાં આવી ચુક્યું છે. ત્યારબાદ શિક્ષકોને ચુંટણી સંબંધિત કામગીરી સોંપવામાં આવનાર છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૦૫ કોપી કેસ નોંધાયા હતા. જ્યારે ધોરણ-૧૨ની પરીક્ષામાં ૯૫ કેસો નોંધાયા હતા. તમામ ડીઈઓને સીસીટીવી કેમેરામાં ચકાસણી કરવા માટે પણ કહેવાયું હતું. તેમના સંબંધિત અધિકાર ક્ષેત્ર હેઠળ રહેલા જુદા જુદા સેન્ટરો પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યા છે. ૨૦ દિવસની અંદર જ તેમાં ચકાસણી કરવામાં આવનાર છે. ભુલભરેલા વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ તેમના રિઝલ્ટને લઈને નિર્ણય લેવામાં આવશે. બોર્ડના અધિકારીઓએ પરીક્ષા હોલની અંદર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિના નિયમો ભંગ કરવા બદલ ૧૫ કેસ નોંધ્યા છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા અને પરીક્ષા દરમિયાન નાના સ્માર્ટ ગેઝેટનો ઉપયોગ કરવાના કેસ પણ બન્યા હતા. આ ઉપરાંત એક્ઝામીનરને આન્સરશીટ નહીં સોંપવાના કિસ્સા પણ બન્યા હતા. એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ કેટલાક કેસોમાં તપાસ ચાલી રહી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણીની પ્રક્રિયા ઝડપથી જારી છે.

 

 

(9:22 pm IST)