Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

મોડાસા રૂરલ પોલીસના લોકઅપમાંથી બે આરોપીઓ સંડાસની જાળી તોડી ફરાર: ૫ ટીમો બનાવી શોધખોળ

આરોપીઓ નાશી છૂટતા પોલીસ બેડામાં ચકચાર ; ઠેર ઠેર નાકાબંધી

મોડાસા:ચોરીના ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીને પકડવામાં સફળ રહેલી મોડાસા રૂરલ પોલીસ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માટે કસ્ટડીમાં રાખેલા ૨ આરોપીઓ લોકઅપના શૌચાલયની લોખંડની જાળી તથા સળિયા તોડી ફરાર થઈ જતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ છે. ઉચ્ચ અધિકારીઓ મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને દોડી આવી ૫ ટીમો બનાવી ઠેર ઠેર નાકાબંધી કરવાની સાથે શોધખોળ હાથ ધરી હતી.

    આ અંગે મળતી વિગત મુજબ મોડાસા રૂરલ પોલીસે ઈપીકો કલમ-૩૭૯,૧૧૪ના ગુન્હામાં ઝડપાયેલા રાજુભાઇ હીરાભાઈ કાલબેલિયા (ઉં.વર્ષ-૨૪) રહે,મડીકપુરા ઉદેપુર (રાજ) અને મુકેશ મોંગીલાલ જોગી (ઉં.વર્ષ-૨૦) રહે,કપાસણ, ચિતોડગઢ (રાજ) ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ૨૫ માર્ચ સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા બંને આરોપીઓની વધુ પૂછપરછ માટે રૂરલ પોલીસે લોકઅપમાં રાખતા શનિવારે રાત્રીના સુમારે પોલીસને ઉંઘતી રાખી બંને આરોપીઓએ લોકઅપમાં રહેલા શૌચાલયની જાળી અને લોંખડના સળિયા તોડી અડધા ફૂટ જેટલી જગ્યામાંથી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

     આ ચકચારી બનાવને પગલે ડી.વાય.એસ.પી. ફાલ્ગુનીબેન પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે દોડી આવ્યો હતો અને નાસી છૂટેલા બંને આરોપીઓને ઝડપી પાડવા એલસીબી,એસઓજી,પેરોલ ફર્લો, રૂરલ પોલીસ સહીત ૫ ટીમો બનાવી ચોતરફ નાકાબંધી કરી સ્થાનિક તેમજ આસપાસના પંથકોમાં તેની શોધખોળ હાથ ધરી છે.

(6:44 pm IST)