Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

રોડ કાંડમાં અમ્યુકો દ્વારા ૫૯ ઇજનેરોને નોટિસ ફટકારાઇ

રોડના કામોમાં ગેરરીતિને મુદ્દે તંત્રનું આકરૃં વલણ : કોર્પોરેશનની નોટિસ માટે જવાબ એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં કરી દેવા ઇજનેરોને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી

અમદાવાદ,તા. ૨૩ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર રાજ્યમાં ભારે ઊહાપોહ મચ્યો હતો. મ્યુનિસિપલ તંત્રનું રોડ કૌભાંડ ત્યારબાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ વિકાસ ગાંડો થયો છે તે પ્રકારનાં સૂત્રોથી ગાજ્યું હતું. લોકોની નજરમાં વહીવટી તંત્ર અને ભાજપના શાસકોની આબરૂના ધજાગરા ઉડ્યા હતા અને હાઇકોર્ટની લાલ આંખને પગલે સત્તાવાળાઓએ વિજિલન્સ તપાસ આરંભી હતી. જેમાં ઇજનેર વિભાગના એડિશનલ સીટી ઇજનેરથી ડેપ્યુટી સિટી ઇજનેર સુધીના ર૬ ટોચના અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારાઇ હતી. હવે રોડ કૌભાંડમાં તંત્ર દ્વારા વધુ તપાસની કામગીરી હાથ ધરાઇ હોઇ વોર્ડ કક્ષાના પ૯ ઇજનેરોને નોટિસ ફટકારાઇ છે. અમ્યુકો તંત્રની વિજિલન્સ તપાસ હેઠળ રોડના કામમાં ડામરની ચોરી પુરવાર થતાં પ્રાથમિક તબક્કે ત્રણ કોન્ટ્રાકટરને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા હતા. સત્તાવાળાઓએ નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રોડ તૂટ્યા હોઇ ત્યાંથી ૩પ રોડનાં સેમ્પલ, પશ્ચિમ ઝોનના ર૩ રોડનાં સેમ્પલ સહિત કુલ ૯૦ સેમ્પલ લઇને તેની વિવિધ સરકાર માન્ય લેબમાં ચકાસણી કરાઇ હતી. ગત જુલાઇ, ર૦૧૭ના પહેલા રાઉન્ડના વરસાદમાં કુલ ૧૪૮ કિ.મી.ના રસ્તા તૂટતાં આકાશ ઇન્ફ્રાસ્ટ્રકચરના સૌથી વધુ ૩૮, જીપી ચૌધરીના રર, ભગીરથ એસોસિએટસના ૧૩ અને જે.આર. અગ્રવાલના ૯ સહિત વધુ છ કોન્ટ્રાકટરના રોડ તૂટ્યા હોવાનું વિજિલન્સ તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલે સત્તાધીશોએ સાત એડિશનલ સિટી ઇજનેરને કુલ ૪પ તૂટેલા રોડના મામલે કુલ ૪૦ નોટિસ અને ૧૯ ડેપ્યુટી સિટી ઇજનેરને અન્ય કુલ ૪પ તૂટેલા રોડના મામલે કુલ ૪૧ નોટિસ ફટકારતા જે તે સમયે ભારે ખળભળાટ મચ્યો હતો. દરમિયાન રોડ કૌભાંડમાં ઘીના ઠામમાં ઘી ઠલવાયું હોવાની લોકચર્ચા અવારનવાર ઊઠતી રહી હતી અને હાલના શાસકોએ આ મામલે ભેદી મૌન પાળતાં આ બાબત ફરી ચર્ચાસ્પદ બની હતી. જોકે હવે રોડ કૌભાંડમાં તપાસ આગળ વધી હોવાનું જાણવા મળ્યું છે. આઇઆર વિભાગ દ્વારા હવે રોડ કૌભાંડ મામલે વોર્ડ કક્ષાના આસિસ્ટન્ટ ઇજનેર અને સિટી ઇજનેરને પણ ખાતાકીય તપાસ હેતુ નોટિસ ફટકારાઇ છે. આ ઇજનેરોને બે અઠવાડિયામાં ખુલાસો કરવાની તંત્રએ તાકીદ કરી છે. જોકે આટલો સમયગાળો ઓછો લાગતાં નોટિસ મેળવનાર ઇજનેરોએ એપ્રિલના પહેલા અઠવાડિયા સુધીનો સમય માગ્યો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ અધિકારી તેમજ કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસની કાર્યવાહી કરનાર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગે સાત એડિશનલ સિટી ઇજનેર અને ૧૯ ડેપ્યુટી સિટી ઇજનેર વગેરે ર૬ ઇજનેરોને આ મામલે શો કોઝ નોટિસ ફટકારી હતી. ટોચના ઇજનેરોએ લગભગ એક વર્ષ પહેલા પોતાનો ખુલાસો તંત્રને પાઠવ્યો હતો. પરંતુ ત્યારબાદ રોડ કૌભાંડની તપાસ ઠપ થઇ ગઇ હતી. હાલમાં વોર્ડ કક્ષાના ઇજનેરો નોટિસનો જવાબ તંત્રને પાઠવી રહ્યા હોઇ સઘળા જવાબ આવી ગયા બાદ તેનો રિપોર્ટ કમિશનર વિજય નહેરાને સોંપાશે. આઇઆર વિભાગના રિપોર્ટના આધારે કમિશનર વિજય નહેરા દોષી ઇજનેરો સામે ખાતાકીય પગલાં લેશે.

 

(8:24 pm IST)