Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ડિપ્લોમા ઇન ફાર્મસી માટે હવે દેશમાં એકઝીટ એકઝામ હશે

આ એકઝામ પાસ કરી હશે તો જ ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન શકય બનશે : તમામ બાબતો આગામી વર્ષથી ઓનલાઇન : નીટની જેમ ફાર્મસીમાં પણ કોમન એકઝીટ એકઝામ

અમદાવાદ,તા. ૨૪:  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં દેશભરની ફાર્મસી કોલેજોના પ્રિન્સીપાલો, ડિરેકટરો અને મેડિકલ સ્ટોરના સંગઠનોના પ્રતિનિધિઓ તથા ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બે દિવસીય મહત્વની કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેની જાહેરાત કરતાં ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ બી.સુરેશે જણાવ્યું હતું કે, ફાર્મસી શિક્ષણ અને વ્યવસાયની ઝડપથી પ્રગતિ અને ઉત્કર્ષ માટે ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા હવે ડિજીટલ યુગમાં પદાર્પણ કરવા જઇ રહી છે અને આગામી વર્ષથી ફાર્મસી કોલેજોની એપ્રુવલથી લઇ ફાર્મસી શિક્ષણની તમામ બાબતો ઓનલાઇન થઇ જશે. બીજી મહત્વની વાત એ નક્કી કરાઇ છે કે, હવેથી ડિપ્લોમા ઇન ફાર્મસી માટે દેશભરમાં એક કોમન એકઝીટ એક્ઝામ લેવામાં આવશે, જે પરીક્ષા પાસ કરશે તો જ જે તે ફાર્માસીસ્ટનું રજિસ્ટ્રેશન શકય બનશે, અન્યથા નહી. ફાર્મસીમાં આ કોમન એકઝીટ એક્ઝામને અમલી બનાવતાં છ-આઠ મહિનાનો સમય લાગી જશે. આ સિવાય બીજો મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે, ફાર્માસીસ્ટ ઉદ્યોગજગતના તાજા અપડેટ્સ અને ફેરફારોથી વાકેફ અને માહિતગાર રહે તે હેતુથી હવે ફાર્માસીસ્ટ માટે ઓનલાઇન રિફ્રેશર કોર્સ ઉપલબ્ધ બનાવાશે. દરેક ફાર્માસીસ્ટ માટે પાંચ વર્ષમાં બે રિફ્રેશર પ્રોગ્રામ કર્યા હોય તો જ તેનું લાયસન્સ રિન્યુ કરવાની જોગવાઇ છે તેમાં ફાર્માસીસ્ટ્સને વધુ સુગમતા રહે તે હેતુથી હવે ઓનલાઇન રિફ્રેશર કોર્સ કરવાનું નક્કી કરાયું છે. ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ બી.સુરેશ અને જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો.ડો.નવીન શેઠે જણાવ્યું હતું કે, ડિપ્લોમા ઇન ફાર્મસીમાં એકઝીટ એક્ઝામ લાગુ કરવાનું નક્કી કરાયું છે અને તેના સમગ્ર માળખાકીય અમલીકરણમાં હજુ છ થી આઠ મહિનાનો સમય લાગી જશે. આ એક્ઝામ પાસ નહી કરી હોય તો તેવા ફાર્માસીસ્ટનું રજિસ્ટ્રેશન શકય નહી બને તેથી આ એક્ઝામ પાસ કરવી ફાર્માસીસ્ટ માટે ફરજિયાત રહેશે. જો કે, જૂના ફાર્માસીસ્ટોને આ એકઝીટ એકઝામનો નિયમ લાગુ નહી પડે પરંતુ હવે પછીના નવા ફાર્માસીસ્ટો જે બહાર પડે તેઓએ આ એક્ઝામ પાસ કરવી ફરજિયાત રહેશે. આ સિવાય દેશની ૧૨૦૦થી વધુ ફાર્મસી કોલેજોના એપ્રુવલ, ફરિયાદો, સમસ્યાના નિરાકરણ, શિક્ષણની ગુણવત્તા, એકસમાન અભ્યાસક્રમ સહિતના અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરી નિર્ણયો લેવાયા હતા. ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ બી.સુરેશ અને જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો.ડો.નવીન શેઠે ઉમેર્યું હતું કે, દેશભરમાં હાલ દસ લાખથી વધુ ફાર્માસીસ્ટ છે. જેમાં સાત લાખ તો વિવિધ કેમીસ્ટ એસોસીએશન હેઠળ સંકળાયેલા છે. દેશમાં હાલ એક લાખ,વીસ હજાર કરોડ રૂપિયાની દવાઓ ઉત્પાદિત થઇ રહી છે, જેમાંથી ૬૦ ટકા તો આપણે નિકાસ કરી રહ્યા છે ત્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને શિક્ષણના વિકાસ માટે નક્કર અને પરિણામલક્ષી નિર્ણયો લેવા જરૂરી બન્યા છે. બેઠકમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલના પ્રમુખ મોન્ટુકુમાર પટેલ, ઉપપ્રમુખ શ્રેણીક પટેલ, રજિસ્ટ્રાર ગીલ્બર્ટ મેકવાન, ફાર્મસી વિભાગના ડીન ડો.સી.એન.પટેલ અને ડો.બાંગારૂથન સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(7:17 pm IST)