Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

૧લી એપ્રિલથી અમલી થઇ રહેલ ઇ-વે બિલના વધુ અમલ માટે ૨૦ જગ્‍યાએ રાજ્ય સરકાર દ્વારા મોબાઇલ ચેકપોસ્ટનો પ્રારંભ

અમદાવાદ: આગામી ૧ એપ્રિલથી ઇ-વે બિલનો અમલ થઇ રહ્યો છે, જોકે ઇ-વે બિલના અમલ પૂર્વે રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેની પૂર જોશમાં તૈયારીઓ કરી દીધી છે તથા રાજ્યની ચેકપોસ્ટો ઉપર મોબાઇલ ચેકપોસ્ટની દ્વારા ટ્રાન્સપોર્ટરોના સ્પોટ ઉપર ડોક્યુમેન્ટ તથા વેરિફિકેશનની કામગીરી પણ હાથ ધરાઇ રહી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે બિલ વગરનો માલ તથા ઓછા બિલનો માલ જણાય તો તેઓને મેમો ફટકારવાનું શરૂ કરી દીધું છે. સોનગઢ ચેકપોસ્ટ પર ત્રણ ટ્રાન્સપોર્ટરોને મેમો ફટકાર્યો છે. ડિપાર્ટમેન્ટે શામળાજી ચેકપોસ્ટ પર ત્રણ, થરાદ ચેકપોસ્ટ પર બે, ગુંદરી ચેકપોસ્ટ પર બે, અમીરગઢ ચેકપોસ્ટ પર ત્રણ, સોનગઢ ચેકપોસ્ટ પર બે અને ભિલાડ ચેકપોસ્ટ પર ત્રણ, મહેસાણા ડિવિઝનમાં બે મોબાઇલ ચેકપોસ્ટ ટીમ બનાવીને મૂકાઇ છે.

દરમિયાન ડિપાર્ટમેન્ટના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં ઇ-વે બિલ અંતર્ગત વેપારીઓ રજિસ્ટ્રેશન માટે આગળ આવ્યા છે, જેમાં રાજ્યમાં કુલ ,૫૦૦થી વધુ ટ્રાન્સપોર્ટરોએ એનરોલમેન્ટ કરાવ્યું છે, જોકે ટ્રાન્સપોર્ટરોની ફરિયાદ છે કે હાલ પોર્ટલની ધીમી ગતિના કારણે એનરોલમેન્ટ કરવામાં મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

નોંધનીય છે કે ઇ-વે બિલ અંતર્ગત રાજ્યની અંદર માલ પરિવહન તથા આંતરરાજ્ય માલ પરિવહન દરમિયાન ચીજવસ્તુઓના માલનો દસ્તાવેજ, ઇ-વે બિલ તથા ઇ-વે બિલનો નંબર સાથે રાખવા જરૂરી છે. જો તેમ કરવામાં ટ્રાન્સપોર્ટર કસૂરવાર થશે તો તેને મેમો તથા પેનલ્ટી લગાવવાની જોગવાઇ કરવામાં આવી છે.

ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇ-વે બિલની અમલવારી સંબંધે મોબાઇલ ચેકપોસ્ટની કામગીરી શરૂ થઇ ગઇ છે, જોકે ૧ એપ્રિલ બાદ આ કામગીરી પૂરજોશમાં ચાલુ થશે.

(7:02 pm IST)