Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સુરત-અમદાવાદ અને વડોદરામાં ફી નિયમનના કાયદા મુદ્દે બઘડાટીઃ વડોદરામાં વાલીઓ સામે સંચાલકો ઝુકી ગયા

અમદાવાદઃ રાજ્યભરમાં ફી નિયમનના કાયદા મુદ્દે ધાંધલ ધમાલ વારંવાર થાય છે ત્યારે સુરત-અમદાવાદ અને વડોદરામાં પણ વાલીઓએ ફી મુદ્દે બઘડાટી બોલાવતા દોડધામ મચી ગઇ હતી.

સુરતના વેસુની એસ.ડી.જૈન સ્કૂલમાં ૫ણ બાળકોનું ૫રિણામ રોકાતા વાલીઓનો હોબાળો

સરકાર ભલે ફી નિયમનના કડક અમલની વાતો કરે. પરંતુ સ્કૂલ સંચાલકોની દાદાગીરી ચાલુ જ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન સ્કૂલમાં હોબાળો થયો છે. ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નહિ આપતા વાલીઓ વિફર્યા છે. વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. જોકે સ્કૂલ સંચાલકોને પહેલેથી જ વાલીઓના હોબાળાની આશંકા હતી એટલે તેમણે સ્કૂલની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

અમદાવાદના હાથીજણમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં બેફામ ફી વસુલાતી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ હોબાળો કર્યો હતો. 100 જેટલા વાલીઓ સ્કૂલ સંચાલકોને રજુઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ સ્કૂલ સંચાલકો તેમની કોઈ રજુઆત સાંભળતા નથી તેવી વાલીઓએ ફરિયાદ કરી હતી. વાલીઓએ ફી નિયમન મામલે ઢીલું વલણ અપનાવવા બદલ સરકાર સામે પણ બળાપો કાઢ્યો હતો.

વડોદરાના માંજલપુર રોડ પર આવેલી અંબે સ્કૂલમાં વાલીઓએ કરેલા હોબાળા બાદ સ્કૂલ સંચાલકો ઝૂક્યાં છે. ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવતા વાલીઓએ હોબાળો કર્યો હતો. જે બાદ સ્કૂલે વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવાનું શરૂ કર્યું હતુ. વાલીઓ હોબાળો કરતા મામલો પોલીસમાં પહોંચાડ્યો હતો અને પોલીસે દરમિયાનગીરી રિઝલ્ટ અપાવી મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળી જતા વાલીઓ ખુશ થયા હતા.

(6:59 pm IST)