Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

વડોદરા કોર્પોરેશનની તિજોરીમાં માત્ર પાંચ કરોડ રૂપિયા જ જમા, તેની સામે ૪પ કરોડ ચૂકવવાના બાકી ! પગાર ચૂકવવામાં પણ ફાંફા સર્જાવાની શક્યતા

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની છે. હાલમાં માર્ચના અંતે કોર્પોરેશનની તિજોરીમાં માત્ર ૫ કરોડ જમા છે તેની સામે રૃા.૪૫ કરોડ ચુકવવાના બાકી છે.  માર્ચ અંત સુધી વેરા વસુલાત ઝુંબેશને કારણે આવક થશે પરંતુ ત્યારબાદ નવા બિલો નિકળતા બે મહિનાનો સમય નીકળી જશે તો  કોર્પોરેશનને પગાર ચૂકવવાના ફાફા સર્જાશે. 

કોર્પોરેશનની આર્થિક સ્થિતી હવે રાજ્ય સરકાર દ્વારા મળતી વિવિધ ગ્રાન્ટ પર નિર્ભર થઇ  ગઇ છે.  વેરાની આવક આવે છે તેમાંથી રોજનો ખર્ચ નીકળે છે પરંતુ માર્ચ પછી વેરાની આવક પર બ્રેક વાગશે. જેથી વર્ષ-૨૦૧૮માં કોર્પોરેશનને લોન લેવાની ફરજ પડશે.

કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતી ડામાડોળ થઇ છે જેની પાછળ વિકાસના કામો થયા બાદ તેના મેન્ટેનન્સ પાછળના ખર્ચમાં ઉત્તરોતર વધારો થતો ગયો છે.  આ ઉપરાંત સાતમા પગાર પંચનો અમલને કારણે તેમજ ઉચ્ચક પગાર પર કર્મચારીઓને  ભરતી કરવામાં આવે છે. સાથે સાથે  ઇજારદારો દ્વારા વિકાસના કામો કરવામાં આવે છે જેમાં કામનો અંદાજ ઓછો રાખવામાં આવે છે અને જ્યારે પ્રોજેકટ પૂર્ણ થાય ત્યારે તેનો ખર્ચ ડબલ થઇ જાય છે જેથી કોર્પોરેશને બજેટમાં મુકેલી રકમ ઉપરાંત વધારાની રકમ ચૂકવવાનો વારો આવે છે.

કર્મચારીઓ, સફાઇ, સિક્યુરિટી, ડ્રાયવર વિગેરે સપ્લાય કરવાનો પણ કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જેમાં કર્મચારીદીઠ કોર્પોરેશન ઇજારદારને જે નાણાં ચૂકવે છે તેનાથી ઓછા નાણાં ઇજારદારો કર્મચારીઓને ચૂકવે છે. એટલુ જ નહિ નક્કી કરેલા કર્મચારીની સંખ્યામાં ગોટાળા આચરી કોર્પોરેશનને ચૂનો લગાવે છે. 

આ સમગ્ર સ્થિતિને કારણે ખર્ચમાં ઉત્તરોતર વધારો થતો જાય છે. જેથી કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી ડામાડોળ થઇ છે.  આ વર્ષે કોર્પોરેશનો ઉત્તરતર ખર્ચ વધી રહ્યો છે જેની સામે આવક  ઓછી છે.   

છેલ્લા બે વર્ષથી કોર્પોરેશનની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે જ્યારે કોર્પોરેશને બેન્કોમાં મુકેલી ડિપોઝીટ પણ વચ્ચેથી તોડીને પગાર તેમજ ઇજારદારોને નાણાં ચૂકવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ રોજનું કમાઇને રોજ ખર્ચ કરવાનો વારો આવ્યો છે ત્યારે કોર્પોરેશન પાસે હાલમાં રૃા.૫૦૦ કરોડની ડિપોઝીટ બેન્કમાં મુકેલી છે.  પરંતુ પગાર સમયસર કરવા તેમજ વિકાસના કામોના બાકી નાણાં ચૂકવવા માટે એક વર્ષમાં રૃા.૬૦ કરોડની બેન્ક ડિપોઝીટ તોડવી પડી હતી.

(6:58 pm IST)