Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સુરતની તાપી નદીમાંથી મોટા પ્રમાણમાં શેવાળ અને લીલ જોઇને યુકેની વેસ્ટ મેનેજમેન્ટ કંપની આશ્ચર્યચકિતઃ પાણીમાં તેનો ફેલાવો અટકાવવા સેમ્પલ લેવાયા

સુરત: સુરતની તાપી નદીમાં વધી ગયેલી પાણીજન્ય વનસ્પતિ અને શેવાળની સમસ્યાને દૂર કરવા માટે UKની વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કાયમી સોલ્યુશન આપે તેવી શક્યતા જણાઈ રહી છે.

 

યુનાઈટેડ કિંગડમ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી(UKTI)ના બિઝનેઝ ડેલિગેશન ગુરુવારથી સુરતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ પ્રતિનિધિ મંડળે SMCના અધિકારીઓ અને ભાજપના નેતાઓ સાથે કોઝવેની મુલાકાત લીધી હતી અને નદીમાં રહેલી જળકુંભીનું નિરિક્ષણ કર્યુ હતું.

UKTI ડેલિગેશનના હેડ રુપી નાન્દ્રાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, આટલી સુંદર નદીમાં આટલા મોટા પ્રમાણમાં શેવાળ અને લીલ જોઈને અમે આશ્ચર્યમાં મુકાઈ ગયા. અમે શેવાળના સેમ્પલ લીધા છે અને પાણીમાં તેના ગ્રોથને અટકાવવા માટે હવે એક કાયમી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. અમે આ સેમ્પલ લંડન લઈ જઈશું.

નાન્દ્રાએ આગળ જણાવ્યું કે, અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને UKની વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે બિઝનેસ પાર્ટનરશિપની ઓફર આપી છે. અમે પ્રશાસનને પાણીમાંથી પાણીજન્ય વનસ્પતિ દૂર કરવાની વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી ઓફર કરી છે. UKની Eden Eco Solutionના મુખ્ય અધિકારીએ આ બાબતે જણાવ્યું કે, નદીમાં તાત્કાલિક સફાઈની જરુર છે, નહીં તો વર્ષેને વર્ષે આ પાણીજન્ય વનસ્પતિની સમસ્યા વધતી જશે અને એક દીવસ એવો આવશે કે નદી સુકાઈ જશે.

(6:16 pm IST)