Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બાંદ્રા-કચ્‍છ ટ્રેનમાં મહિલાઓ પાસેથી દારૂની બોટલ જપ્તઃ ગુનો ન નોંધાય ત્યાં સુધી પેસેન્‍જરોએ ટ્રેનને સુરત રેલ્વે સ્ટેશનથી આગળ જવા ન દીધી

સુરતઃ બાંદ્રા કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા પેસેન્‍જરો પાસેથી દારૂની બોટલ જપ્ત કરાતા પેસેન્જરોએ હોબાળો મચાવીને જ્યાં સુધી આ મહિલાઓ સામે ગુનો ન નોંધાય ત્‍યાં સુધી ટ્રેન ચલાવવા દીધી ન હતી.

બાંદ્રા કચ્છ એક્સપ્રેસ ટ્રેનના અમુક પેસેન્જર્સે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન રોકાવી હતી જેના કારણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ(GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF) શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. આ મુસાફરોની માંગ હતી કે પોલીસ દ્વારા ટ્રેનમાં લગભગ 10 જેટલી દારૂની બોટલ લઈને મુસાફરી કરી રહેલી બે મહિલાઓ વિરુદ્ધ પગલા લેવામાં આવે.

મુસાફરોએ વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર પણ મહિલાઓ વિરુદ્ધ સિક્યોરિટી એજન્સીને ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ પગલાં લેવામાં ન આવતા મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી અને જ્યાં સુધી GRPના અધિકારીએ ગુનો ન નોંધ્યો ત્યાં સુધી ટ્રેનને સુરત રેલવે સ્ટેશન પરથી જવા ન દીધી.

RPFના મુંબઈ ક્ષેત્રના સિનિયર ડિવિઝન સિક્યોરિટી કમિશનર એ.કે.શુક્લા જણાવે છે કે, તે સમયે RPF ટીમની મહિલા ટીમ હાજર ન હોવાને કારણે મહિલાઓએ કપડામાં બોટલ્સ છુપાવી છે કે નહીં તે ચેક નહોતા કરી શક્યા. અમે RPF સ્ટાફ અને TC વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે. પેસેન્જર્સનું કહેવું છે કે, GRP ટીમ સાથે મહિલા પોલીસ હોવા છતાં તેમણે બુટલેગર્સ વિરુદ્ધ કોઈ પગલાં ન લીધા, માટે તેમણે સુરતમાં ટ્રેન રોકવી પડી.

ઉલ્લેખનીય છે કે RPF દ્વારા ટ્રેન રોકવા બદલ પેસેન્જર્સની પણ અટકાયત કરવામાં આવી હતી. GRPએ મહિલા બૂટલેગર્સની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ સિવાય સરકારી અધિકારીઓ અને પોલીસ પર હુમલો કરવા બદલ પેસેન્જર્સની પણ અટકાયત કરવામાં આવી હતી. ફરિયાદ પર સુસ્તી દાખવવા બદલ GRP અને RPFના પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન રેલવેના પોલીસ સુપ્રીટેન્ડન્ટ શરદ સિંઘલ જણાવે છે કે, તપાસ પરથી સામે આવ્યું છે કે ભુજથી બાંદ્રા જઈ રહેલા લગભગ 170 લોકોના ગ્રુપમાંથી અમુક લોકો પાસે ટિકિટ નહોતી. જ્યારે TCએ ટિકિટની ડિમાન્ડ કરી તો તેમણે બૂટલેગર્સનો મુદ્દો ઉઠાવ્યો.

(6:16 pm IST)