Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

અમદાવાદની સિવિલ હોસ્‍પિટલના પીજી હોસ્‍ટેલ વિભાગમાં મહિલા બાળરોગ નિષ્‍ણાંત રૂહી હઠીધરાનો આપઘાત

અમદાવાદઃ સિવિલ હોસ્‍પિટલમાં પીજી હોસ્‍ટેલ વિભાગમાં રહેતા મહિલા બાળરોગ નિષ્‍ણાંતે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીક વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા ડોક્ટરે સિવિલની પીજી હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલા ડોક્ટરે ઈન્સ્યુલિન લઈને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થલ પર પહોંચી ગઈ હતી. અને યુવતીએ કેવી રીતે અને કેમ આત્મહત્યા કરી તે મુદ્દે તપાસ હાથ ધરી છે.

આ મુદ્દે પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલ અને પીડિયાટ્રીક વિભાગમાં પરજ બજાવી રહેલ રુહી હઠીધરા નામની ડોક્ટરે આપઘાત કરી લીધાની જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને પીજી હોસ્ટેલમાં રહેલ તેના રૂમ પર પહોંચી, તો યુવતી મૃત હાલતમાં હતી. પોલીસે જણાવ્યું કે, હાલમાં પ્રાથમિક રીતે જોતા લાગે છે કે, યુવતીએ ઈન્સ્યુલિન ઈન્જેક્શન દ્વારા આપઘાત કર્યો છે. હાલમાં પ્રાથમિક પુછપરછમાં ખબર પડી છે કે, યુવતીના અઢી વર્ષ પહેલા લગ્ન થયાં હતા, તેમનો પતિ પણ અહીં સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. યુવતીએ પરિક્ષાના તણાવમાં આપઘાત કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે, હાલમાં યુવતીની બોડી પીએમ માટે મોકલી આપવામાં આવી છે. પીએમ રિપોર્ટ બાદ જ સાચી હકીકત બહાર આવશે કે, તેના મોતનું કારણ શું છે. અમે આપઘાત પાછળનું કારણ જાણવા યુવતીના પરિવાર અને પીજી હોસ્ટેલમાં તેના ક્લાસમાં રહેતી અન્ય યુવતીઓની પણ પુછપરછ કરી અમારી તપાસ આગળ વધારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું.

ઉલ્લેકનીય છે કે, અમદાવાદમાં એક મહિનામાં મહિલા આપઘાતની આ ચોથી ઘટના સામે આવી છે. આ પહેલા બે દિવસ પહેલા જ એક એલડી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી અને સેટેલાઈટ વિસ્તારમાં રહેતી યુવતીએ પરિક્ષાના તણાવમાં બિલ્ડીંગના છટ્ઠા માળેથી આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. બીજીબાજુ વાસણા વિસ્તારમાં પીજીમાં રહેતી અને સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતી યુવતીએ પણ કામના તણાવમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

(6:14 pm IST)