Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

દહેગામના સાણોદામાં અગમ્ય કારણોસર 25 ગાયોના મોતથી અરેરાટી

દહેગામ:તાલુકાના સાણોદા ગામ પાસે આવેલાં દોલતપરા ગામમાં ગઇકાલે સાંજે રપ ગાયોનાં મોત થયાં હતાં. એરંડાના ખેતરમાં ભેલાણ શરૃ થઇ ગયા બાદ ગાયોએ દિવેલાના પાન ખાતાં તેમાં રહેલાં રેસીન નામના ઝેરની ગાયોને અસર થઇ હતી. જેને લઇને રપ ગાયના ગઇકાલે જ્યારે ત્રણ ગાયના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં. અસરગ્રસ્ત વધુ ૯૦ જેટલી ગાયોને બે દિવસ સારવાર આપવામાં આવશે. દિવેલાના ખેતરમાં ભેલાણ શરૃ થઇ ગયું છે ત્યારે દિવેલાના પાન ખાવાના કારણે રાજ્યમાં ગાયો તેમજ અન્ય પશુઓના મોત થતાં હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલાં સાણોદા ગામ નજીકના દોલતપરા વિસ્તારમાં પાંચ માલધારીઓની ૨૮ ગાયોના દિવેલાના પાન ખાવાના કારણે મોત થયાં છે. આ અંગે જિલ્લા પંચાયતના મદદનીશ પશુપાલન નિયામકે જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે દિવેલાના પાન ખાવાના કારણે દિવેલાના પાનમા રહેલા રેસીન નામના ઝેરની અસર ગાયોને થઇ હતી. જેના કારણે ૧૦૦થી વધુ ગાયોને અસર થઇ હતી. જેમાંથી રપ ગાયો ગઇકાલે મરી ગઇ હતી. જ્યારે વધુ ત્રણ ગાયો સારવાર દરમિયાન મોતને ભેટી હતી. અસરગ્રસ્ત ૯૦ જેટલી ગાયોની સારવાર પશુ ચિકિત્સા અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં આગામી બે દિવસ સુધી આ અસરગ્રસ્ત ગાયોની સઘન સારવાર કરવામાં આવશે.

 

 

(5:49 pm IST)