Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કેરોસીન વાપરતા ગરીબોને સરકાર ગેસ જોડાણ આપશેઃ લાભાર્થી બેવડાતા રોકવા સબ ગ્રુપ રચના

રાજકોટ, તા. ૨૪ :. ગુજરાત સરકારે બજેટમાં જાહેર કર્યા મુજબ માત્ર કેરોસીન પર આધારિત ગરીબ પરિવારોને પાઈપ અથવા બાટલાથી ગેસ જોડાણ આપવામાં આવનાર છે. ઉજ્જવલા યોજના અથવા અન્ય કોઈ રીતે ગેસ જોડાણ ન ધરાવતા પરિવારોને સરકારની રૂ. ૧૬૦૦ની સબસીડીવાળી આ યોજનાનો લાભ મળશે. પ્રથમ તબક્કે ૮ મહાનગરો અને ૨૫ શહેરી મુખ્ય મથકોને આવરી લેવામાં આવશે. ગેસ યોજનાના લાભાર્થી બેવડાઈ ન જાય (ડુપ્લીકેશન) તે માટે સરકારે યોજના અંતર્ગત સબ ગ્રુપની રચના કરવાનું નક્કી કર્યુ છે. રાજ્યના નાગરિક પુરવઠા વિભાગના ઉપસચિવ એમ.ઝેડ. શ્રોફની સહીથી આ અંગે તા.૨૦ માર્ચ ૨૦૧૮ના દિવસે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે, રાજ્યના બીપીએલ તથા અંત્યોદય કાર્ડ હેઠળ કેરોસીન મેળવતા કુટુંબોને સબસીડીના ધોરણે રાજ્ય સરકાર દ્વારા સૂચિત 'પીએનજી - એલપીજી સહાય યોજના' અંતર્ગત પીએનજી-એલપીજી જોડાણ પુરૂ પાડવા માટે વિચારણા હાથ ધરવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર પીએનજી-એલપીજી સહાય યોજના અંતર્ગત સબસીડી રૂપે મોટી રકમ વહન કરનાર છે. આ યોજના હેઠળ સમાવિષ્ટ થનાર અંત્યોદય કે બીપીએલ કુટુંબ અગાઉથી પીએનજી-એલપીજી ગેસ જોડાણ ધરાવે છે કે કેમ તેની ખાતરી કરી ડિ-ડુપ્લીકેશન જોડાણ રોકવા અતિ આવશ્યક જણાય છે, જેથી જરૂરીયાતમંદ લાભાર્થી જ આ યોજનાનો લાભ લઈ શકે.

'પીએનજી-એલપીજી સહાય યોજના' હેઠળ સમાવિષ્ટ થનાર અંત્યોદય કે બીપીએલ કુટુંબ અગાઉથી પીએનજી-એલપીજી ગેસ જોડાણ ધરાવે છે કે કેમ ? તેની ખાતરી કરી ડિ-ડુપ્લીકેશન જોડાણ રોકવાના હેતુથી એક સબગ્રુપની રચના કરવાનું ઠરાવવામાં આવે છે. જેમા (૧) નાયબ નિયામક શ્રી (પેટ્રોલિયમ), (૨) એલપીજી કંપનીના એક પ્રતિનિધિ (૩) પીએનજી કંપનીના એક પ્રતિનિધિ (૪) એન.આઈ.સી.ના એક પ્રતિનિધિ અને (૫) સિસ્ટમ મેનેજર, નાગરિક પુરવઠા કચેરીનો સમાવેશ થાય છે.(૨-૭)

(11:47 am IST)