Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

વડોદરામાં પત્‍ની ઉપર પતિનો અત્‍યાચારઃ શરીર ઉપર છરીથી પોતાના નામનું અક્ષર લખ્‍યોઃ સાથળ ઉપર ઇસ્‍ત્રીના ડામ દીધા

વડોદરાઃ સાસરીયાની દહેજની માંગણી પુર્ણ ન કરનાર પત્‍ની ઉપર પતિએ અત્‍યાચાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. પ‌તિએ છરીથી પત્‍નીના શરીર ઉપર અંગ્રેજીના અક્ષરથી પોતાનું નામ લખ્‍યું હતું. તેમજ સાથળ ઉપર ઇસ્‍ત્રીના ડામ દેતા ફરીયાદ કરવામાં આવી છે.

 પ્રાપ્‍ત માહીતી મુજબ મૂળ જોધપુરની અને હાલ ન્યુ સમા રોડના શાંતિનગરમાં રહેતી મંજુ સુથાર (ઉં..૨૧) બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. તેના લગ્ન ડિસેમ્બર - ૨૦૧૬માં એમએસસી થયેલા સંતોષ હીરાલાલ સુથાર (રહે, પ્રિયાંશી એપાર્ટમેન્ટ, પુના) સાથે થયા હતા. લગ્ન વખતે સાસરિયાઓએ કરિયારવરની સાથે જમાઈ સંતોષને કાર પણ આપી હતી, પરંતુ સંતોષ અને તેના ઘરના સભ્યોએ વધુ દહેજની માંગણી કરી મંજુને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘણીવાર સંતોષ ચારિત્ર્ય અંગે પણ શંકા રાખી પત્નીને માર મારતો હતો. તેમજ પિયરમાં જાણ કરીશ તો મારી નાંખીશ, તેવી ધમકી પણ પત્ની મંજુને આપતો હતો.

આખરે, મંજુએ કંટાળીને તેના માતા-પિતાને વાત કરતાં તેઓ પુત્રીને લેવા નીકળ્યા હતા. જેની જાણ થતાં સંતોષે એકદમ ઉશ્કેરાઈ જઈ પત્નીને ગુપ્ત જગ્યાએ લાતો મારી હતી. મંજુએ આક્ષેપ કર્યો હતો કે, મારી પતિ સંતોષે ચાકુથી મારી છાતીના ભાગે પોતાના નામનો એસ લખ્યો હતો. તેમજ ઈસ્ત્રી ગરમ કરીને સાથળ પર ડામ આપ્યા હતા. પુત્રી મંજુની તબિયત લથડતાં માતા-પિતા તેને પુનાથી વડોદરા લઈ આવ્યા હતા. મંજુની હાલત જોઈ દ્રવી ઉઠેલા પિતાએ તેને તાત્કાલીક રેસકોર્સ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલ મંજુ આઈસીયુમાં સારવાર હેઠળ છે. પોલીસે તેનું નિવેદન પણ લીધું હતું. સમા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(5:42 pm IST)