Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૨,૩૬,૪૯૨ ગરીબ પરિવાર તો સૌરાષ્‍ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધુ ૪૨૪૮ ગરીબ પરિવારોઃ વિધાનસભામાં જવાબ રજૂ કરતી રાજ્ય સરકાર

ગાંધીનગરઃ સમૃદ્ધ, ગતિશીલ, વિકાસશીલ ગુજરાતના દાવા વચ્ચે રાજ્યમાં 31 લાખ કરતા વધારે પરીવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે આંકડા રજૂ કર્યા હતા.

વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. હવે જો એક પરિવારમાં પાંચ સભ્યો હોય એવો અંદાજ લગાવીને ગણતરી કરવામાં આવે તો રાજ્યમાં અંદાજે 1,57,32,065 લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે તેવું કહી શકાય. આંકડાઓ પરથી એવું સાબિત થાય છે કે સમૃદ્ધ ગુજરાતની ચોથા ભાગની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે!

સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે એટલે કે 2,36,492 ગરીબ પરીવાર રહે છે. બીજા નંબરે દાહોદ જિલ્લો આવે છે. દાહોદમાં 2,25,291 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ત્રીજા નંબરે ખેડા જિલ્લામાં 1,56,436 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

છેલ્લા બે વર્ષના આંકડાઓ પર નજર કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં સૌથી વધારે 4,248 ગરીબ પરિવારમાં વધારો થયો છેજ્યારે નવસારીમાં 4120 પરિવારનો વધારો થયો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં કુલ 18,992નો વધારો થયો છે. અંદાજ પ્રમાણે રાજ્યમાં દૈનિક ગરીબી રેખા નીચે જીવતા 26 પરિવારનો વધારો થાય છે.

(5:22 pm IST)