Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણીમાં પિતા કરતા પણ આગળ નીકળી ગયોઃ રાજેશ આયરે 2005માં 27 મતથી જીત્‍યા હતા તો પુત્ર શ્રીરંગ 20 હજાર મતથી જીત્‍યો

વડોદરા: રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીમાં પિતા કરતા પુત્ર આગળ નીકળી ગયો છે. વડોદરા મહાનગર પાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 9 માં ભાજપે શ્રીરંગ આયરેને ટિકિટ આપી હતી. ત્યારે 22 વર્ષીય ઉમેદવાર શ્રીરંગ જંગી લીડથી જીત્યા છે. શ્રીરંગ આયરેના પિતા રાજેશ આયરે જ્યારે 2005 માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ માત્ર 27 મતથી જીત્યા હતા. તેની સામે 2021 માં પ્રથમ ચૂંટણીમાં પુત્ર શ્રીરંગે 20 હજારથી વધુ મતની જંગી લીડ સાથે જીત્યો છે.

રાજેશ આયરે 2015માં વોર્ડ નંબર 9 માંથી આરએસપીમાંથી ચૂંટાયા હતા. જ્યારે આ વખતે તેઓ ભાજપમાં જોડાયા હતા. રાજેશ આયરે સાથે તેમના સાથીદાર બે મહિલા કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા હતા. પંરતુ ભાજપ દ્વારા નવા ચહેરાને તક મળે તે માટે ત્રણ ટર્મથી વધુ ચૂંટણી લડ્યા હોય તે લોકોને ટિકિટ નહીં આપવાના નિર્ણયથી પિતાની જગ્યાએ પુત્ર શ્રીરંગ આયરેને ટિકિટ મળી હતી. ત્યારે મહાનગરપાલિકા ચૂંટણી 2021માં શ્રીરંગને કુલ 27,236 મત મળ્યા અને તે 20,111 મતની લીડથી વિજય થયો છે.

રાજેશ આયરે 2005 માં આરએસપીના (RSP) નેજા હેઠળ ચૂંટણી લડ્યા હતા. રાજેશ આયરે વોર્ડ નંબર 9 માંથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા હતા અને ભાજપના ઉમેદવાર લલિત પટેલ કરતા માત્ર 27 વધુ મતથી જીત મેળવી હતી. ત્યારે 2021 ની મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 9 ની બેઠક પોતાની પાસે રાખવા માટે ભાજપે રાજેશ આયરેને પાર્ટીમાં એન્ટ્રી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીરંગ આયરે 2021 ની મહાનગરપાલિકા ચૂંટણીમાં જંગી મતની લીડ મેળવી છે. જ્યારે પિતા રાજેશ આયરે પ્રથમ ચૂંટણીમાં 27 મતથી જીત્યા હતા તેની સામે પુત્ર શ્રીરંગ આયરે તેની પ્રથમ ચૂંટણીમાં 20 હજારથી વધુ મતની લીડ મેળવી છે. આથી પિતા કરતા પુત્ર સવાયો નીકળ્યો છે.

(4:46 pm IST)