Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

'ઝાડુ'ની દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રીઃ પણ સૌરાષ્ટ્રમાં રાહ જોવી પડશે

'આપ'એ ગુજરાતમાં ખાતુ ખોલાવતા હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ઝંપલાવે તેવી શકયતા : ધારણા મુજબ કોંગ્રેસના મત આપ અને એનસીપીએ તોડયાઃ કોંગ્રેસ હજુ પણ નહિ સુધરે તો નામોનિશાન મિટાઈ જશે

રાજકોટ,તા.૨૪: તમામ મહાનગરપાલીકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જનતાએ ફરી એકવખત ભાજપ ઉપર ભરપુર વિશ્વાસ મુકયો છે. છ એ છ મહાનગરપાલિકાઓમાં ફરી એક વખત ભાજપનું શાસન આવ્યું છે. ધારણા મુજબ કોંગ્રેસના મતો આપ અને એનસીપીએ તોડયા. કોંગ્રેસ જો હજુ પણ આત્મમનોમંથન નહિ કરે તો વિરોધપક્ષમાં પણ પોતાનું સ્થાન ગુમાવી બેસશે.

આ વખતે આપ અને એનસીપીએ પણ ચૂંટણીમાં ઝંપાલાવ્યું હતું. અગાઉથી જ એવી ધારણા હતી કે આ બન્ને પક્ષો કોંગ્રેસના જ મત તોડશે. જે ધારણા સાચી ઠરી હતી. ઓવરઓલ બે ચાર હજારના મતોનો તફાવત મળતો હતો. આ મતો આપ અને એનસીપીના ફાળે ગયા હતા. જો આ બન્ને પક્ષ ન લડયા હોત તો આજે પરિણામ કંઈક અલગ જ જોવા મળત.

જો કે આ વખતે આમ આદમી પાર્ટીએ સુરતમાં કાઠુ  કાઢયું છે. ૨૫ આસપાસ બેઠકો ઉપર જીત મેળવી છે. કોંગ્રેસને પાછળ રાખી દીધું. સુરતમાં મોટાભાગે પાટીદારો ચૂંટણી લડયા હતા. એવી ચર્ચા છે કે જયારે ફોર્મ ભરાયા ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોની સમજાવટ બાદ મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેવાની પણ ખાતરી આપી હતી, પરંતુ જયારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે ઉમેદવારોએ પોતાના મોબાઈલ બંધ કરી દીધા હતા. જે કંઈપણ હોય આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખાતુ ખોલાવી દીધુ છે.

રાજકોટમાં પણ 'આપ'એ તમામ બેઠકો ઉપરથી ઝંપલાવ્યું હતું, પરંતુ સફળતા મળી ન હતી. આમ, સૌરાષ્ટ્રમાં હજુ લોકો ભાજપ અને કોંગ્રેસ એમ બે જ પક્ષોને આવકારે છે એમ કહી શકાય. જેથી રાજકોટ- સૌરાષ્ટ્રમાં 'આપ'એ હજુ રાહ જોવી પડશે.

જો કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરતાં હવે આગામી સમયમાં વિધાનસભામાં પણ ઝંપલાવે તેવી પૂરેપૂરી શકયતાઓ સેવાઈ રહી છે.

હવે વાત કરીએ કોંગ્રેસની તો આ ચૂંટણીમાં આ પક્ષની બેફામ ધોલાઈ થઈ છે. રાજકોટ, સુરત, અમદાવાદમાં તો વિરોધપક્ષનું સ્થાન પણ ગુમાવી ચુકયુ છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગર્ત ટર્મમાં ચુંટાયેલા કોંગી કોર્પોરેટરો કે જેઓએ સારી કામગીરી કરેલી હોય તેઓનો પણ પરાજય થયો છે.

કોંગ્રેસમાં એકતા નથી. નાનામાં નાનો કાર્યકર પણ પોતાને આગેવાન ગણે છે. અંદરોઅંદર જુથવાદ પણ કારણભુત છે. નેતાઓમાં અર્હમનો ટકરાવ જોવા મળે છે. આવા અનેક કારણોને લીધે કોંગ્રેસ બેઠુ થઈ શકતું નથી. હજુ પણ સમય છે. કાર્યકરોથી માંડી આગેવાનો એક નહિ બને તો નામો નિશાન થતાં વાર નહી લાગે.

(12:43 pm IST)