Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

વડોદરાના વરાસીયાના બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની છેતરપિંડીના ગુનામાં વાપીથી ધરપકડ

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ પ્રશાંત ઉપાધ્યાયે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારસીયા પોલીસે ટીમો બનાવીને પ્રશાંત ઉપાધ્યાયની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પ્રશાંત મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે વોચ ગોઠવી તેનો પીછો કરીને ચીખલી નજીક નેશનલ હાઇવે પર માલવાળા ગામ પાસેથી ઝડપી પાડયો હતો. પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ અને પુરૂષો સાથે ગરબા રમતો તેમજ મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત પ્રશાંત ઉપાધ્યાય સામે તેના અનુયાયીઓએ અનેક આક્ષેપો કર્યાં હતા

(10:53 pm IST)