Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

દમણ,દીવ અમદાવાદની વચ્ચે વિમાન- હેલિકોપ્ટર સેવા શરૂ

માછીમાર સમુદાય પર વેટ નાબુદ કરવાની જાહેરાતઃ દમણ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું : દમણના લોકોની કરેલી પ્રશંસા : મોદીએ ઘણા મુદ્દા પર વાત કરી

દમણ,તા. ૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દીવ અને અમદાવાદ વચ્ચે વિમાની સેવા તથા દમણ અને દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવાની શરૂઆત કરાવી હતી. મોદીએ આ પ્રસંગ ેવિશાળ જનમેદનીને પણ સંબોધન કર્યું હતું. દમણમાં પોલિટેકનીક કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ વિશાળ રૈલી યોજાઈ હતી. મોદીએ કહ્યું હતું કે, હવે દમણ અને દીવ મોટા પ્રવાસ સ્થળ બનવા જઈ રહ્યા છે. હેલિકોપ્ટર અને વિમાની સેવા શરૂ થતા દમણ અને દીવ અનેક સિદ્ધિઓ હાસિલ કરશે. મોદીએ કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી દમણ આવતા લોકો હવે દીવ, ગીર અને સોમનાથમાં પણ જઈ શકશે. આ ઉપરાંત ધાર્મિક પ્રવાસ પણ કરી શકશે. આના કારણે પ્રવાસને વેગ મળશે. તેમને એમ પણ કહ્યું હતું કે, દમણ ભારતના સૌથી સ્વચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે દમણના નિવાસીઓની જવાબદારી આને જાળવવા માટેની છે. કારણ કે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચનાર છે. દમણના યુવાનો માટે રોજગારીની તકો પણ સર્જાશે. દમણ અને દીવમાં માછીમાર સમુદાય સાથે સંબંધિત મોટી જાહેરાત કરતા મોદીએ કહ્યું હતું કે, દમણ વહીવટી તંત્રએ હવે માછીમાર સમુદાય ઉપર વેટને નાબુદ કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી માછીમારો સંપૂર્ણ નફો કમાઈ શકશે. વડાપ્રધાને દમણ વાસીઓને કેમ છો કહી ને ભાષણની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, દમણ વાસીઓએ વટ પાડી દીધો છે. દમણના વખાણ કરતા તેમને કહ્યું હતું કે, અહી ખુલામા શૌચાલયથી મુકિત મળી છે તે ગર્વની વાત છે. સાફ સફાઈનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. નાગરિકોની જવાબદારી દિન-પ્રતિદિન વધી રહી છે.

(10:08 pm IST)