Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

વડોદરાના માંજલપુરમાં ત્રણ ગઠિયાએ વૃદ્ધાને ભેળવી 1 લાખના દાગીના સેરવ્યા

વડોદરા:માંજલપુર દેરાસરમાં દર્શન કરીને ઘરે પરત જઈ રહેલી વૃધ્ધાને આજે સવારે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના ઘર પાસે ત્રણ ગઠિયાઓએ રસ્તામાં આંતરી હતી અને આગળ લૂંટફાટ થઈ છે માટે દાગીના પાકિટમાં મુકી દો તેમ કહીને વૃધ્ધાના લાખના દાગીના સેરવી લીધા હતા

માંજલપુર વિસ્તારની આર્શિવાદ સોસાયટીમાં રહેતાં ૬૨ વર્ષીય નયનાબેન સુબોધકુમાર દેસાઈ પતિ અને સંતાનો સાથે રહે છે.આજે સવારે તે નિત્યક્રમ મુજબ તે માંજલપુર સ્થિત દેરાસરમાં દર્શન કરવા માટે ગયા હતા અને ત્યારબાદ દૂધની થેલીઓ લઈને તે ચાલતા ઘરે જવા માટે નીકળ્યા હતા.

આશરે સવા આઠ વાગે તે માંજલપુરમાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના ઘર પાસેથી પસાર થતા હતા તે સમયે તેમને બે બાઈક લઈને ઉભેલા ત્રણ ગઠિયાઓએ રસ્તામાં આંતર્યા હતા. ત્રિપુટી પૈકીના એક આધેડે તેમને જણાવ્યું હતું કે ગઈ કાલે અંહિયા લૂંટફાટનો બનાવ બન્યો છે જેથી તમારી બંગડીઓ અને ચેઈન ઉતારીને તમારા પાકિટમાં મુકી દો.

તેઓની વાત પર ભરોસો મુકી નયનાબેને હાથમાં પહેરેલી પાંચ તોલાની ચાર બંગડીઓ કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતું બંગડીઓ નીકળતી હોઈ ગઠિયાઓ તેઓની પાસેની શીશીમાંથી તેલ કાઢીને તેમના હાથ પર લગાવ્યું હતું અને ત્યારબાદ બંગડીઓ તેમજ સોનાની ચેન સહિત લાખના દાગીના ઉતરાવ્યા હતા.

પૈકીના એક ગઠિયાએ  નયનાબેનના ખભે લટકાવેલા પર્સમાં દાગીના જાતે મુકવાનો ડોળ કર્યો હતો અને તમામ દાગીના તેમની નજર ચુકવીને સેરવી લીધા હતા. કામ પુરી થતા ત્રણેય ગઠિયા તુરંત બાઈક પર રવાના થયા હતા.

  નયનાબેનને શંકા જતા તેમણે તુરંત પાકિટમાં તપાસ કરી હતી જેમાં દાગીના ગુમ હોવાની જાણ થતાં તેમણે બુમરાણ મચાવી હતી પરંતું સવારના સમયે તેમની મદદ તુરંત કોઈ દોડી નહી આવતા તેમની નજર સામે ત્રણેય ગઠિયાઓ પલાયન થયા હતા. બનાવની તેમણે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.

(6:34 pm IST)