Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ચેમ્બર દ્વારા વ્યવસાય વેરો નાબૂદ કરવા તથા પર્યાવરણ અને નવી સોલાર પોલિસી મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

કેપ્ટીવ સોલાર પ્લાન્ટ માટે એનર્જી બેન્કીંગ ચાર્જીસને પાછો લેવાની પણ રજૂઆત

રાજકોટ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ની એકઝીકયુટીવ કમિટીની મિટીંગ મળી હતી. જેમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા પણ હાજર રહયા હતા અને તેમણે મુખ્યમંત્રી સમક્ષ વ્યવસાય વેરો, નવી સોલાર પોલિસી 2021 અને પર્યાવરણને મુદ્દે રૂબરૂ રજૂઆત કરી હતી

  ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, ગુજરાત રાજ્યની એમએસએમઇ પોલિસી અને ટેક્ષ્ટાઇલ પોલિસીનો લાભ ઉદ્યોગકારોએ લેવો હોય તો તેના માટે જીપીસીબીનો અભિપ્રાય જરૂરી હોય છે. જીપીસીબી દ્વારા વોટરજેટ ઉદ્યોગકારોને ફરજિયાત કોમન મલ્ટીપલ ઇફેકટીવ ઇવેપોરેટર નાંખવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો કે, આ ટેકનોલોજી ઘણી ખર્ચાળ હોવાથી અન્ય કોઇપણ ટેકનોલોજી જેના થકી વોટર પોલ્યુશનના કાયદાનું પાલન કરી શકાય તેવી ટેકનોલોજી નાંખવા જીપીસીબી મંજૂરી આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

  નવી સોલાર પોલિસી 2021 અંતર્ગત કેપ્ટીવ સોલાર પ્લાન્ટ ઉપર નવો આર્થિક બોજો નાંખવામાં આવ્યો છે. એના કારણે નિભાવ ખર્ચમાં 600 ટકાનો વધારો થયો હોવાથી તેમાં ઘટાડો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ટેકસટાઇલ એકમોમાં 50થી 60 ટકા જેટલો કુલ ઉત્પાદન ખર્ચનો ભાગ એ વીજળીનો ખર્ચ હોવાથી તેને ધ્યાને લઇ ભારતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં સ્પર્ધાત્મક બની રહે તેના માટે નવી સોલાર પોલિસી 2021 અંતર્ગત કેપ્ટીવ સોલાર પ્લાન્ટ માટે એનર્જી બેન્કીંગ ચાર્જીસને પાછો લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રમુખ દ્વારા વ્યવસાય વેરાને નાબૂદ કરવા માટે પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી

(7:22 pm IST)