Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મહિલા પર થતાં અત્યાચારને રોકવાનો પંચનો મુખ્ય હેતુ છે

મહિલા આયોગની કામગીરી અંગે માહિતી અપાઈ : મહિલા કાયદાકીય જાગૃત્તિ શિબિરના આયોજનમાં જરૂરી માહિતી અપાઈ : મહિલા કાયદાનો દુરુપયોગ પણ ન કરે

અમદાવાદ,તા.૨૪ : વિદ્યાર્થીઓને કાયદાકીય જોગવાઈ કઈ રીતે મળે અને તેની કાર્યવાહી કઈ રીતે કરવી તે અંગેની કામગીરી ગુજરાત યુનિવર્સિટીના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ, ઈન્ટરનલ કમ્પ્લેન કમિટી દ્વારા કરવામાં આળી રહી છે. જેના ભાગરૂપે આજ રોજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની સાથે મહિલાઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેની કામગીરીના ભાગરૂપે વર્ષ ૨૦૦૫થી ગુજરાત રાજ્ય મહિલા આયોગની શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓ કાયદાની જોગવાઈઓથી માહિતગાર થાય તે માટે અભ્યાસકાળ દરમિયાન મળતી કાયદા અને ગુન્હા વિષયક જાણકારીથી ભવિષ્યના સંઘર્ષમય જીવનમાં તેમને આ જ્ઞાન ખૂબ ઉપયોગી  સાબિત થશે એમ જણાવતા ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલા અંકોલિયાએ  વધુમાં જણાવ્યું હતું કે મહિલા આયોગ મહિલાઓને સમાજમાં સન્માન અને સ્વરક્ષણ તથા ગૌરવ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. મહિલા આયોગ મહિલાઓને તેમના હકોથી વાકેફ કરે છે. કાયદાનો ઉપયોગ કયા સમયે ક્યાં કરવો ખરેખર તેનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં.

                    તે અંગેની જાગૃતિ અંગેના સેમિનાર વિવિધ શાળા, કોલેજ, યુનિવર્સિટી અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કરવામાં આવે છે. મહિલાઓ કાયદાઓનો દુરુપયોગ સ્વયંમ સશક્ત બનીને સ્વ રક્ષા કરી શકે તો અન્યને તથા સમાજમાં પણ મદદરૂપ બની શકે છે. અન્ને ઉલ્લેખનીય છે કે મહિલા આયોગ દ્વારા અત્યાર સુધીમાં ૫૮ હજાર જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, હાલનો સમય મધ્યમમાર્ગનો સમય છે. સંબંધોની પરીક્ષા ટોચ પર છે. મિત્ર વર્તુળ, સમાજજીવન, ઘરનું  વાતાવરણ, પારિવારિક સંબંધોમાં ડગલેને પગલે વાતચીતના આદાનપ્રદાન પાછળ સારો કે નરસો ક્યો ઉદેશ રહેલો છે તેની સતત પરીક્ષાઓ આપણા માથે તોળાયા કરે છે. જે સમાજ માટે મોટી ચિંતાનો વિષય છે.

                    શૈક્ષણિક સંસ્થાઓમાં સતત તેનું ચિંતન મનન કરવામાં આવે છે. શિક્ષણ એ માત્ર વર્ગ ખડમાં અપાતો અભ્યાસક્રમ નથી. શિક્ષણ એ છે કે એ સારા વ્યક્તિ તરીકે તેને સમાજમાં પ્રસ્તુત કરવાનો છે. તે માટે શૈક્ષણિક સંસ્થાઓ જ નહીં તેમાં કુટુબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થાનો પણ ખુબ મોટો ફાળો રહેલો છે. આત્મગૌરવ અને સન્માન એ માનવ જીવન માટે મહત્વનું પાસુ છે. સમાજ વ્યવસ્થા, કુટુબ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, રાજવ્યવસ્થા આ બધાએ સાથે મળીને કાર્ય કરવાનો સમય આવી ગયો છે. આ પ્રસંગે વિમેન ડેવલપમેન્ટ સેલના ચેરપરસન ડૉ. સવિતા ગાંધીએ સેલની કામગીરીનો વિસ્તૃત પરિચય આપ્યો હતો.

(9:45 pm IST)