Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભાજપમાં માથાભારે તત્વો છે, કોઇ કાનૂન માનતા નથી

ભાજપના આંતરિક કલહને લઇ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના પ્રહારો : રાજ્યના મુખ્યપ્રધાન કે નાયબ મુખ્યપ્રધાન ધારાસભ્યોની દાદાગીરી સામે બોલી પણ નથી શકતા : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ

અમદાવાદ,તા. ૨૪ : સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ હવે મધુ શ્રીવાસ્તવે પણ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતાં ભાજપમાં આંતિરક કલહ હવે સપાટી પર આવતો જાય છે. જો કે, જીતુ વાઘાણી સાથે થયેલી બેઠક બાદ ઈનામદારે રાજીનામું પાછું ખેંચી લીધું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને તેના આંતિરક કલહ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર પર હવે જનતા અને ધારાસભ્યોને વિશ્વાસ રહ્યો નથી. એક બાદ એક ધારાસભ્ય બહાર આવી રહ્યાં છે. ભાજપમાં માથાભારે તત્વો છે, તે કોઈ કાયદો કે સંવિધાનમાં માનતા નથી. ભાજપની સરકારમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

                 પોતે ઇચ્છે તેવા અધિકારીઓ હોવા જોઈએ તેવી ભાજપની માનસિકતા છે. ૨૫થી ૩૦ ધારાસભ્યો એવા છે જે ભાજપની સરકારની નાખુશ છે. આ પહેલા આનંદીબેન વખતે પણ આવું થયું હતું. ધારાસભ્ય ચેલેન્જ આપે છે કે, મંજૂરી નહીં મળે તો જાહેરમાં લાફો મારીશું. એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કાયદો તો માત્ર સામાન્ય માણસ માટે જ છે. સામાન્ય માણસની ઝુપડી બાંધે તો તોડી પડાય છે. એનએસયુઆઇ પર હુમલો થાય તો પણ કોઈ કાર્યવાહી થતી નથી. પરીક્ષામાં જીતભાઈ વાઘાણીનો પુત્ર પકડાય તો પણ કોઈ કામગીરી કરવામાં નથી આવતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ વધુમાં જણાવ્યું કે, વિજયભાઈની સરકાર પર જનતા અને ધારાસભ્યોને વિશ્વાસ રહ્યો નથી. મુખ્યમંત્રી બદલવાના છે એટલે આવું થઈ રહ્યું છે.

                  આ સ્ક્રિપ્ટ દિલ્હીથી લખાઈ છે. એકપછી એક આવા ૨૫થી ૩૦ ધારાસભ્યો બહાર આવશે. આનંદીબેનને બદલવાના હતા ત્યારે પણ આવું જ થયું થયું હતું. ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં ઉકળતો ચરૂ છે. ઓછામાં ઓછા ૨૫થી ૩૦ ધારાસભ્યો એવા છે જેને સરકારમાં અને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીમાં વિશ્વાસ નથી રહ્યો. એમને લાગી રહ્યું છે કે આ સરકારના મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય તેમનો વહીવટીતંત્ર પર કાબુ નથી રહ્યો. તેમનું સરકારમાં કોઈ સાંભળી રહ્યુ નથી. સરકારે વિચારવાની જરૂર છે. આનંદી બેન વખત જેવી સ્ક્રિપ્ટ બની છે. જેવી રીતે આનંદીબેનને મુખ્યમંત્રી તરીકે બદલ્યા ત્યારે આક્રોશન ઉભો કરવામાં આવ્યો હતો તેવી રીતે આ વખતે પણ થઈ રહ્યું છે. એક પછી એક ધારાસભ્યો બહાર આવી રહ્યા છે જાણે કે દિલ્હીથી તેમના મોટા નેતાઓ સ્ક્રિપ્ટ લખી રહ્યા છે.

                   ક્યાંક સ્ક્રિપ્ટ લખાઈ હોય એના આધારે જ ચાલી રહ્યું છે. ચાવડાએ કહ્યું કે તળાવમાં મંજૂરી વગર અઢીથી ત્રણ કરોડનું બાંધકામ થયું ત્યાં સુધી સરકાર મૌન રહી. ધારાસભ્ય જાહેરમાં અધિકારીઓને લાફા મારવાની વાત કરે છે. એનો અર્થ સીધો છે. સરકાર અને નાયબ મુખ્યમંત્રીને જવાબ આપવાનો છે. તેમના પર કોઈનો વિશ્વાસ નથી. સરકારમાં હિમ્મત હોય તો તેમના ધારાસભ્ય સામે કાર્યવાહી કરે ચાવડાએ કહ્યું કે, જીતુ વાઘાણીનો પુત્ર ચોરી કરતા પકડાય તો એની સામે કાર્યવાહી કરવામાં આવથી નથી અને સામાન્ય માણસ ઝૂંપડું બાંધે તો સરકાર હટાવે છે. હાર્દિક પટેલ સામેના જૂના કેસ ખોલવામાં આવે છે. એનએસયુઆઇ પર જીવલેણ હુમલા થાય તો પણ સરકાર કોઇ કાર્યવાહી કરતી નથી, આ બાબતો સરકારની માનસિકતા પ્રજા સમક્ષ સ્પષ્ટ કરી દે છે. 

(9:44 pm IST)