Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગુજરાત : ધાર્મિક સ્થળો પર ભીખ માગવા સામે પ્રતિબંધ

ડાકોર સહિતના યાત્રાધામોમાં ભીખ માંગવા પર રોક : જૂનાગઢ, સિદ્ધપુર, પાલીતાણા, ચાંપાનેર અને બહુચરાજી સહિત બધા ધાર્મિક સ્થળ માટે જાહેરનામાનો અમલ શરૂ

અમદાવાદ,તા. ૨૪ : ગુજરાતમાં ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ હેઠળ ધાર્મિક સ્થળોની આસપાસ ભીખ માગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આજે રાજ્યના શામળાજી ખાતે મંદિર આસપાસ ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ કરતા નજરે ચડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર, ડાકોર(જિલ્લો ખેડા), સિદ્ધપુર(જિલ્લો પાટણ) અને પાલીતાણા(જિલ્લો ભાવનગર) નગરપાલિકા વિસ્તાર, ચાંપાનેર (પાવાગઢ), બહુચરાજી(જિલ્લો મહેસાણા) અને શામળાજી (જિલ્લો અરવલ્લી) ગ્રામપંચાયત વિસ્તારમાં ભિક્ષાવૃત્તિને પ્રતિબંધિત કરાઈ છે. ત્યારે હવે રાજયના આ સુપ્રસિધ્ધ યાત્રાધામોમાં ભીખ માંગવા પર પ્રતિબંધના નિર્ણયની અમલવારી શરૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જૂનાગઢ એ ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢના ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે. જો કે, આવા ધાર્મિક સ્થળોની આસપાસ મોટી સંખ્યામાં લોકો ભિક્ષાવૃત્તિ કરતા નજરે પડે છે. ખાસ કરીને શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર, ભવનાથ મહાદેવ મંદિર, દામોદરકુંડ સહિતના અનેક સ્થળો પર ભિક્ષા માંગનારા લોકોની લાઇનો જોવા મળતી હોય છે. ત્યારે આ ભિક્ષાવૃત્તિ બંધ થાય તે માટે રાજ્ય સરકારે કાયદાની અમલવારી કરવા આદેશ જારી કર્યો છે.

             આ જાહેરનામામાં જણાવ્યા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ભિક્ષા માંગવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશથી ધાર્મિક સ્થળોની આસપાસ મધમાખીના ઝૂંડની જેમ જોવા મળતા ભિક્ષકુોના દ્રશ્યો નજીકના ભવિષ્યમાં જ ભૂતકાળ બની જશે. જો કે, આ અધિનિયમનો હેતુ ભિક્ષકોને સારૂ જીવન આપવાનો પણ છે. ગુજરાત રાજ્ય સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જે.વી. દેસાઇએ રાજ્યમાં ભીક્ષા માંગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. રાજ્યમાં ગુજરાત ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ ૧૯૫૯ અમલમાં છે. ત્યારે અનેક શહેરોમાં તેની અમલવારી થઇ શકે તે માટે રાજ્યપાલના હુકમથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભિક્ષુક ગૃહ તૈયાર છે. જૂનાગઢમાં ભિક્ષુક ગૃહ શરૂ કરવા માટે જેતપુર, સુરતની ૧ - ૧ અને જૂનાગઢની ૨ સંસ્થા મળી ૪ જેટલી દરખાસ્ત મોકલી છે. આમાંથી જેમની દરખાસ્ત મંજૂર થશે તે ભિક્ષુક ગૃહનું સંચાલન કરશે. ભિક્ષુક ગૃહ સરકારના હોય અથવા જે તે સેવાભાવી સંસ્થા, એનજીઓ બનાવે જ્યાં રહેવાની તમામ વ્યવસ્થા હોય.

          એનજીઓ દ્વારા સંચાલિત ભિક્ષુક ગૃહોમાં ભિક્ષુકોને ભોજન સહિતના ખર્ચ માટે સમાજ સુરક્ષાના નિયામક દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ધાર્મિક સ્થળો પર ભિક્ષા કરનાર જણાય તો તેની અટક કઇ રીતે કરવી ? આ એક મુંઝવતો પ્રશ્ન હતો. ભિક્ષા પ્રતિબંધ અધિનિયમથી ભિક્ષાવૃત્તિ કરનારની અટક કરવાની સત્તા મળશે. જોકે આવા ભિક્ષુકોને સારૂ જીવન પ્રદાન કરવા અટક કરવામાં આવતી હોય છે. ભિક્ષુકોની અટક કર્યા બાદ તેમને ભિક્ષુક ગૃહમાં રખાશે. અહીંયા રહેવાની, ભોજનની વ્યવસ્થા હશે. જો ભિક્ષુક ગૃહની વ્યવસ્થા ન હોય તો આવા ભિક્ષુકોને અન્ય જિલ્લામાં કે જ્યાં ભિક્ષુક ગૃહ કાર્યતર હોય ત્યાં ટ્રાન્સફર કરવાના રહે છે. કોઇપણ ભિક્ષુકની આડેઘડ રીતે અટક નથી કરી શકાતી. આ માટે જે તે જિલ્લામાં ઓછામાં ઓછા ૭ અને વધુમાં વધુ ૧૨ સભ્યોની કમિટી કાર્યરત કરવાની હોય છે. આ કમિટીની હાજરી વગર અટક ન થઇ શકે.

(8:44 pm IST)