Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વડોદરાના લક્કડપીઠા રોડ નજીક યુનિયન બેંકમાં વેપારીએ 9 લાખનો બોગસ ચેક વટાવી લેતા છેતરપિંડીની ફરિયાદ દાખલ

વડોદરા: શહેરના લક્કડપીઠા રોડ પરની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વેપારીનો રૃા.૯ લાખનો બોગસ ચેક વટાવવા માટે આવતા પોલીસે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે આર.વી. દેસાઇ રોડ પર શ્રી સોસાયટીમાં રહેતા પિયુષ ચિમનલાલ શાહ સંત કબીર રોડ પર ઇન્ડિયન એજન્સીઝ નામે ઇન્ડસ્ટ્રિયલ મશીનરીનો વ્યવસાય કરે છે. તેમનું પુત્રો સાથે જોઇન્ટ એકાઉન્ટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં છે. તા.૧૮ ડિસેમ્બરના રોજ તેમના પુત્ર હેમાંગના ફોન પર રૃા.૯ લાખ ડેબીટ થયા  હોવાનો મેસેજ આવતા હેમાંગે પિતાને ફોન કરી તમે કોઇને ચેક આપ્યો છે તે અંગે પુછતા પિયુષભાઇએ ના પાડી હતી. બાદમાં પિતા અને પુત્ર બંને બેંકમાં દોડી જઇ મેનેજરને મળ્યા હતા તેમજ લેખિતમાં અરજી આપી હતી કે અમે કોઇને ચેક આપ્યો નથી તેમજ ખોટો ચેક હોય તો સ્ટોપ પેમેન્ટ કરાવવાની અરજીમાં વિનંતી કરી હતી. બેંકમાં રજૂઆત બાદ બીજા દિવસે રૃા.૯ લાખ એકાઉન્ટમાં પરત મળી ગયા હતાં. બેંક મેનેજરે જણાવ્યું હતું કે રૃા.૯ લાખનો ચેક ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની કાનપુર શાખામાં ક્લીયર થવા જવાનો હતો. આમ બોગસ ચેક રજૂ કરી પૈસા પડાવવાનો કારસો ઘડનાર ભેજાબાજ સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)