Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે અમદાવાદ જીલ્લામાં ૨૦૦થી વધુ રાત્રીસભાઓ કરવામાં આવશે

રાત્રીસભાના આયોજન માટે અમદાવાદ ખાતે જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક મળી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ : મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અન્વયે અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે વર્ષ-૨૦૧૯ દરમ્યાન જે વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયાના કેસો નોંધાયેલ હોય તેમજ અર્બન વિસ્તાર, પેરીફેરી વિસ્તારમાં જનજાગૃતિ માટે રાત્રીસભાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના આયોજન માટે અમદાવાદ જીલ્લા પંચાયત ખાતે જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને તાલુકા સુપરવાઇઝર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરોની બેઠક મળી હતી. 

  વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં ૨૦૦થી વધુ ગામોમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાત્રીસભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો નિદાન સારવાર સહિતની માહીતી આપવામાં આવનાર છે.

       અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ફરજના સમય દરમ્યાન જનજાગૃતિ કરીને લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ દિવસ દરમ્યાન અનેક લોકો કામ ધંધા અર્થે બહાર ગયેલા હોવાથી તેઓ વંચીત રહી જાય છે.જેથી રાત્રી દરમ્યાન મોટાભાગના લોકો ઘરે હોય અને મહત્તમ લોકો સુધી વાહકજન્ય રોગ નિયંત્રણની સચોટ માહીતી પહોચાડી શકાય તે માટે અમદાવાદ જીલ્લામાં ૨૦૦થી વધુ રાત્રીસભાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મેલેરીયા નાબુદી અને ડેન્ગ્યુ કન્ટ્રોલ પર ખાસ ભાર મુકવામાં આવશે.    

    રાત્રીસભામાં મેલેરીયા થવાના કારણો, મેલેરીયાથી બચવાના ઉપાયો, મેલેરીયાનું નિદાન તથા સારવાર, પોરા નિદર્શન, ૧૦૪ ફિવર હેલ્પ લાઇન સહિતની સચોટ માહીતી પુરી પાડવામાં આવશે. 

 આ ઉપરાંત મેલેરીયા કેવી રીતે ફેલાય છે, મચ્છરનું જીવન ચક્ર, કેવી રીતે લોકો મેલેરિયા થી બચી શકે તે માટેના ઉપાયો દર્શાવતી ફિલ્મોનુ પઢ રાત્રી સભામાં  આયોજન કરાયું છે. રાત્રીસભાઓમાં જીલ્લા ટીમ, તાલુકા ટીમ, મેડીકલ ઓફિસર, સુપરવાઇઝર, મપહેવ, આશા સહિતના લોકો ઉપસ્થિત રહેશે અને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જનજાગૃતિ કરશે.

(4:52 pm IST)