Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

એમજેનું કુલ ૧૧.૩૬ કરોડનું બજેટ મંજૂર : નવા આયોજન

૩૦ લાખના ખર્ચે નવુ ફરતુ પુસ્તકાલય બનાવાશે : વર્લ્ડ હેરીટેજ વીકની ઉજવણી માટે પાંચ લાખની જોગવાઇ ગ્રંથયાત્રા સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ,તા.૨૪ : શહેરની એમ.જે.લાયબ્રેરીનું ગ્રંથપાલ ડો.બિપીન મોદી દ્વારા રજૂ કરાયેલા રૂ.૧૦.૯૧ કરોડના બજેટમાં વ્યવસ્થાપમંડળ દ્વારા રૂ.૪૫ લાખના નવા આયોજનોની જોગવાઇનો ખર્ચ ઉમેરાતાં એમ.જે.લાયબ્રેરીનું વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું કુલ રૂ.૧૧.૩૬ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. મેયર ગૌતમભાઇ શાહની અધ્યક્ષતામાં મળેલી બજેટની ખાસ સભામાં આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૩૦ લાખના ખર્ચે શહેરમાં નવુ ફરતુ પુસ્તકાલય મોબાઇલ વાન મારફતે ઉપલબ્ધ બનાવવાનું અને વર્લ્ડ હેરીટેજ વીકની ઉજવણી માટે રૂ.પાંચ લાખની જોગવાઇ કરવાનું મુખ્ય આયોજન છે. આ અંગે મેયર ગૌતમભાઇ શાહ અને સ્ટેન્ડીંગ કમીટના ચેરમેન પ્રવીણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૮-૧૯ના વર્ષ દરમ્યાન એમ.જે.લાયબ્રેરીના બજેટમાં રૂ.૪૫ લાખના નવા આયોજનોને સમાવિષ્ટ કરાયા છે. જેમાં રૂ.૩૦ લાખના ખર્ચે ફરતા પુસ્તકાલય માટે નવી મોબાઇલ વાન વસાવવામાં આવશે. હાલ શહેરમાં ૯ શાખા પુસ્તકાલયો અને ત્રણ ફરતા પુસ્તકાલયો મારફતે વાચકોને સેવા પૂરી પાડવામાં આવે છે પરંતુ ફરતા પુસ્કાલયને નગરજનોનો સાંપડેલો વ્યાપક પ્રતિસાદ ધ્યાને લઇને શહેરના સિનિયર સીટીઝનો, મહિલા અને બાળ વાચકો માટે ઘેરબેઠા વાંચન સેવા પૂરી પાડવા આ નવી મોબાઇલ વાન વસાવવામાં આવશે.  આ સિવાય વર્લ્ડ હેરીટેજ વીકની ઉજવણીમાં એમ.જે.લાયબ્રેરીનુ યોગદાન આપવાના હેતુસર તા.૧૯થી ૨૫ નવેમ્બર,૨૦૧૮ દરમ્યાન હેરીટેજ વીકની જે ઉજવણી થશે, તેમાં ત્રણ દિવસના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમાં વાચકો માટે હેરીટેજ ટુર, શહેરના ગૌરવવંતા ઇતિહાસ અંગે પરિસંવાદ, આંતર શાળાકીય કવીઝ સ્પર્ધા અને શહેરની અલભ્ય તસવીરોનુ એમ.જે.લાયબ્રેરી ખાતે પ્રદર્શન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વિશેષ પાંચ લાખ રૂપિયાની જોગવાઇ નવા બજેટમાં કરાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સિવાયના નવા આયોજનોમાં સ્પર્ધાત્મક પરીક્ષા અને કારકિર્દી માર્ગદર્શન માટે ત્રિદિવસીય પરિસંવાદ માટે રૂ.ત્રણ લાખની જોગવાઇ, તા.૧૫મી એપ્રિલે એમ.જે.લાયબ્રેરીના ૮૦મા સ્થાપના દિન નિમિતે ગ્રંથયાત્રા માટે રૂ.એક લાખ, સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધા માટે રૂ.એક લાખ, બાળકિશોર વિભાગના ૬૧મા સ્થાપના દિન નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રૂ.એક લાખ, શહીદદિન નિમિતે દેશભકિત ગીતસ્પર્ધા માટે રૂ.૫૦  હજાર, સ્વરચિત કાવ્ય સ્પર્ધા માટે રૂ.એક લાખ, એમ.જે.લાયબ્રેરીમાં સિનિયર આર્ટીસ્ટ ફોરમના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રૂ.૫૦ હજાર, પુસ્તક પરિચય સ્પર્ધા અને તેની સમીક્ષા માટે રૂ.૫૦ હજાર, લુઇસ બ્રેઇલની જન્મજયંતિ નિમિતે પ્રજ્ઞાચક્ષુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રૂ.૫૦ હજાર અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી નિમિતે યુવા જાગૃતિ પદયાત્રા માટે રૂ.એક લાખ સહિત કુલ રૂ.૪૫ લાખના નવા આયોજનો માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.  બજેટની આજની ખાસ સભામાં સ્કૂલ બોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણ, પૂર્વ મેયર શ્રીમતી મીનાક્ષીબહેન દેસાઇ અને ડો.હેમંત ભટ્ટ સહિતના અન્ય પદાધિકારીઓ અને વ્યવસ્થાપક મંડળના સભ્યો હાજર રહ્યા હતા.

 

(8:13 pm IST)