Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

કરોડોની જમીનના વિવાદમાં ઘુમાના કબીર આશ્રમના મહંત કૃપાચરણનો નાટકીય અપહરણ બાદ છુટકારો: પોલીસ પૂછપરછ શરૂ

આરોપીઓએ તેઓનું અપહરણ કરી ફોટા પાડ્યા બાદ જવા દીધા: રિક્ષામાં બેસીને મહંત ઘરે પરત ફર્યા

અમદાવાદ : જિલ્લાના દસક્રોઈ તાલુકાના ઘુમા ખાતેથી સાંજે આશ્રમની કરોડો રૂપિયાની 35 વિઘા જમીનના વિવાદમાં મહંત કૃપાચરણ ગોસ્વામીનો નાટકીય અપહરણ બાદ છુટકારો થયો હતો. બનાવ અંગે મહંતના પડોશી તુલસીભાઈ પટેલે બનાવની જાણ બોપલ પોલીસને કરી હતી. પોલીસ હાલમાં રિક્ષામાં બેસી ઘરે પરત ફરેલા મહંતની પૂછપરછ હાથ ધરી છે.

 બોપલ પોલીસે તુલસીભાઈ વેરાભાઈ પટેલની ફરિયાદના આધારે મહેનતના અપહરણ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસને મળેલી વિગત મુજબ મહંત કૃપાશરણ ગોસ્વામી બુધવારની સાંજે ઘરની બહાર પાસે ઓટલા પર બેઠા હતા.તે સમયે સફેદ કલરની બોલેરો જેવી જીપ આવી હતી. જીપમાંથી ઉતરેલા બે શખ્સ મહંત કૃપાશરણનો હાથ પકડી બળજબરીપૂર્વક તેઓને જીપમાં બેસાડી દીધા હતા. ઘટનાને નજરે જોનાર પડોશી તુલસીભાઈએ બુમાબુમ કરી અને જીપ પાછળ દોડ્યા હતા. જોકે જીપ લઈને આવેલા શખ્સો મહંતનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

 અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જણાવ્યું હતું કે, કબીર મંદિરના મહંત કૃપાશરણ ગોસ્વામીના અપહરણ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કૃપાશરણ ગોસ્વામીને આશ્રમની 35 વિઘા જમીન હડપી લેવા માટે કેટલાક લેભાગુ તત્વો પરેશાન કરતા હતા.કૃપાશરણની ખોટી સહીઓ કરેલા જમીનના ખોટા બાનાખત ઉભા કરી જમીન હડપવાના પ્રયાસ અંગે બે થી ત્રણ ફરિયાદ અગાઉ દાખલ થયેલી હતી.

બીજી તરફ રાત્રે 9.30 વાગ્યે મહંત રિક્ષામાં બેસી ઘરે આવી ગયા હતા. તેમના કહેવા મુજબ આરોપીઓએ તેઓનું અપહરણ કરી ફોટા પાડ્યા બાદ જવા દીધા હતા. આ અંગે મહંતની પૂછપરછ કરી વધુ વિગતો મેળવવાનો અમારો પ્રયાસ ચાલુ છે.

પોલીસે આ મામલે ટીમો તૈયાર કરી તપાસ હાથ ધરી હતી. ગાડીનો નંબર અને લોકેશન મેળવવા માટે પ્રયાસ કર્યા હતા.પોલીસે અગાઉ જે લોકો વિરૂધ્ધ આ જમીન મામલે ગુના દાખલ થયા છે. તે આરોપીઓની તપાસ અને પૂછપરછ કરી હતી.

અપહરણ બાદ મહંત કૃપાશરણનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. પોલીસને અપહરણ જમીન વિવાદમાં થયાની પાક્કી શંકા હતી. તે દરમિયાન મહંત ઘરે પરત ફરતા પોલીસે રાહતનો દમ લીધો હતો. જોકે આ નાટકીય અપહરણનો ભેદ ખોલવા પોલીસે મહંત કૃપાશરણની પૂછપરછ હાથ ધરી છે

(11:30 pm IST)