Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમદાવાદમાં ‘Look N Like’ એપ્લીકેશનના નામે ચાલતું પોન્ઝી સ્કીમના રેકેટનો પર્દાફાશ :સૂત્રધાર શેરા ઝડપાયો

એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજના રૂ.23 કમાવો તેવી લાલચ અપાતી

અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી પોલીસે 1500 ભરી ‘Look N Like’ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજના રૂ.23 કમાવો તેવી લાલચ આપતી કંપનીનું પોન્ઝી સ્કીમનું રેકેટ ઝડપ્યું છે. પોલીસે આનંદનગરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં જેલીપાઈ કંપનીની ઓફિસમાંથી મુખ્ય સૂત્રધાર શેરાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ કંપનીમાં 300 જેટલા લોકો રૂ.1500 ભરી મેમ્બર બન્યા હતા. ઠગાઇના આ રેકેટનો વધુ લોકો ભોગ બન્યા હશે તેમ પોલીસ માની રહી છે.

 આનંદનગર પોલીસે બાતમી આધારે આરોપી શેરાભાઈ ઉર્ફ શૈલેશ છોગાજી વજીર (ઉં,30) રહે, અટલ એપાર્ટમેન્ટ, ડી માર્ટ પાસે,નિકોલની ધરપકડ કરી છે. પોલીસને જાણવા મળેલી વિગત મુજબ જેલીપાઈ નામની કંપનીના માલિકો અવિનાશ શર્મા અને રાજકુમારએ ‘Look N Like’ નામની એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનના નામે આરોપીઓ પોન્ઝી સ્કીમ ચલાવી રહ્યા છે. નાગરિકોને સભ્ય બનાવી તેઓ પાસે રોકાણ કરાવીને આરોપીઓ ઓનલાઇન વસ્તુઓની ખરીદીની લાલચ આપે છે.

 

આનંદનગર પીઆઈ એસ.જે.બ્લોચે જણાવ્યું હતું કે, આરોપી શેરા વેબ ડીઝાઈનિંગ કામના ઓઠા હેઠળ ઓફિસ ભાડે લઈ તેમાં પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી. આરોપીઓ લોકોને ‘Look N Like’ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ.1500 ભરાવી મેમ્બર બનાવતા હતા. મેમ્બર બન્યા પછી એપ્લિકેશનના વીડિયો ત્રણ વાર શેર કરો અને 4 વાર લાઈક કરો તો રોજના ખાતામાં રૂ.23 જમા થતા હતા.

 આ ઉપરાંત મેમ્બરશીપ સાથે 150 પોઇન્ટ ખાતામાં જમા આપતા તે પોઇન્ટથી ઓનલાઈન ખરીદી થઈ શકશે તેમ કહેતા હતા. રૂ.1500 ભર્યા પછી મેમ્બરશીપ એક વર્ષ સુધી રહે બીજા વર્ષે ફરી એમાઉન્ટ ભરી મેમ્બર થવું પડે. આ રીતે 300 લોકો મેમ્બર થયાનું ધ્યાને આવ્યું હતું. આરોપી શહેરના ફોનમાંથી ‘Look N Like’ એપ્લિકેશન ડાઉનલોડ થયેલી હતી. જેમાં જુદા જુદા 5 ગ્રૂપમાં 700થી વધુ મેમ્બર એડ થયેલા છે.

આરોપીની ઓફિસમાંથી મોબાઈલ ફોન, 5 હાર્ડ ડિસ્ક, કમ્પ્યુટર વગેરે મળી રૂ.20 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો છે. આ અંગે પોલીસે હાર્ડ ડિસ્કનો ડેટા ચેક કરવાનો નિર્ણય લીધો છે.

(9:46 pm IST)