Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ગુજરાતમાં ઔદ્યોગિક એકમોનું નિરીક્ષણ પેપરલેસ બન્યું

અત્યાર સુધીમાં એપ્લિકેશન્સના માધ્યમથી 17,800 એકમોનું ઇન્સ્પેક્શન કરાયું

ગાંધીનગર:ગુજરાત દેશનાં એવાં અગ્રેસર રાજ્યોમાંનું એક બની ગયું છે, જ્યાં શ્રમ વિભાગ દ્વારા ફેક્ટરીઓનું નિરીક્ષણ હવે પેપરલેસ થઈ ગયું છે. આ અંગે શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએસચિવકક્ષાના અધિકારીઓની સમિતિ સમક્ષ વિગતવાર માહિતી આપી હતી.
 મિત્રાએ જણાવ્યું કે, એપ્લિકેશન દ્વારા નિરીક્ષણ સ્થાનની વિશ્વસનિયતા સુનિશ્ચિત કરવા માટે એ સ્થાનના ભૌગોલિક ટેગિંગ(જીઓ ટેગિંગ)ની મંજૂરી આપવામાં આવે છે. તેમાં દસ્તાવેજો/પ્રમાણપત્રોના જીઓ ટેગ થયેલા દૃશ્ય પુરાવાઓ કેપ્ચર કરવાની સુવિધા પણ છે. એપ દ્વારા નિરીક્ષણને લગતી નોટ્સ અને રિપોર્ટ્સની ત્વરિત ચકાસણી પણ કરી શકાય છે. તેનાથી નિરીક્ષણની ગુણવત્તામાં પણ સુધારો થશે.
 ઔદ્યોગિક એકમો અને કન્સ્ટ્રક્શન સાઈટ્સ ઉપર નિરીક્ષણ કરતી વખતે શ્રમ નિયામકની કચેરી અને બોઇલર્સ નિયામકની કચેરી દ્વારા SIMPLE એપનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્યના ડાયરેક્ટર દ્વારા SACHET એપનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને એપ લોકડાઉન થયું તે પહેલાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
  વિપુલ મિત્રાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, આ એપ્લિકેશન્સ લોન્ચ થઈ તે પહેલાં, ઔદ્યોગિક એકમોના નિરીક્ષણના તારણોને લગતી ટિપ્પણીઓ પાછળથી અપલોડ કરવામાં આવતી હતી. જ્યારે હવે આ એપ દ્વારા આ ટિપ્પણીઓ નિરીક્ષણના સ્થળ પરથી જ અપલોડ કરી શકાશે. સંબંધિત ઉદ્યોગોને તેમના નિરીક્ષણ અંગેનો ઇન્સ્પેક્શન રિપોર્ટ ખૂબ જ ઝડપથી ઇસ્યૂ કરી શકાશે. આ ઉપરાંત, મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (MIS) રિપોર્ટ્સ પણ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થઈ શકશે અને દસ્તાવેજો ફાઇલ કરવામાં, તેમને શોધવામાં કે તેમને પુનઃપ્રાપ્ત કરવામાં સમયનો કોઈ બગાડ પણ નહીં થાય
 આ એપ્લિકેશન્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ 17,800 ઇન્સ્પેક્શન્સ કરવામાં આવ્યા છે. શ્રમ કાયદાઓ હેઠળ લગભગ 6050 જેટલાં ઇન્સ્પેક્શન્સ માટે તેમજ બોઇલર્સ ઍક્ટ હેઠળ લગભગ 3000 જેટલાં ઇન્સ્પેક્શન્સ માટે SIMPLE એપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ફેક્ટરીઝ ઍક્ટ હેઠળ 7600 ફેક્ટરીઓના સર્વે માટે તેમજ BOCW (RE & CS) ઍક્ટ, 1996 અને ગુજરાત BOCW રૂલ્સ, 2003 હેઠળ 1150 કન્સ્ટ્રક્શન સાઇટ્સના સર્વે માટે SACHET એપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 આ એપ્સના કારણે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવામાં મદદ મળી છે. પેપરલેસ પ્રક્રિયાઓ અને આવશ્યક શ્રમ કાયદાઓના કાર્યક્ષમ પાલન માટે આ એપ્સ અસરકારક માધ્યમ સાબિત થઈ છે તેમ મિત્રાએ ઉમેર્યું હતું.

(7:00 pm IST)