Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજ્ય સરકાર દ્વારા ‘રજા પ્રવાસ રાહત’ યોજના ૩ મહિના લંબાવાઇઃ રાજ્યની અર્થ વ્યવસ્થાને વધુ વેગવંતુ કરવા લેવાયેલ નિર્ણય

ગાંધીનગર: હાલમાં કોવિડ-19 મહામારી અંતર્ગત સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટેશન અને હોસ્પિટાલીટી ક્ષેત્રમાં મુશ્કેલી થઇ હતી. જેથી સરકાર દ્વારા રજા પ્રવાસ રાહત-વતન પ્રવાસ રાહત  યોજના અંતર્ગત રાજય સરકારના અમૂક કર્મચારીઓ ગત બ્લોક વર્ષ 2016-19 કે જે આપોઆપ એક વર્ષ લંબાયેલ છે.

આ યોજનાની મુદત 31 ડિસેમ્બરે પૂર્ણ થાય છે. જેથી સરકારે આ યોજનાની મુદતમાં વધુ 3 મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે કોરોનાના કારણે વેપાર જગતમાં તંગી પ્રવર્તે છે. તે જોતાં લોકોની ખરીદ શક્તિ વધે અને તે મુજબ રાજયની અર્થ વ્યવસ્થાને વધુ વેગ મળે તે હેતુને ધ્યાનમાં રાખીને રજા પ્રવાસ રાહત/ વતન પ્રવાસ યોજના અંતર્ગત આ બ્લોકનો લાભ લેવાથી વંચિત રહેલાં કર્મચારીઓ અને હાલમાં સેવામાં ચાલુ હોય તેવા કર્મચારીઓના કિસ્સામાં આ યોજના અનુસંધાનમાં ખરેખર મુસાફરી કરવાના વિકલ્પે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર કરવામાં આવી છે.

તેના માટે કેટલીક શરતો લાદવામાં આવી છે. તે મુજબ જે કર્મચારીઓ બ્લોક 2016-19નો લાભ ભોગવી લીધો છે. તેઓને આ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ મળશે નહીં. એટલું જ નહીં પરંતુ આ યોજના બ્લોક વર્ષ 2020-23 માટે લાગુ પડશે નહીં. ખાસ રોકડ પેકેજ યોજના અંતર્ગત રજા પ્રવાસ રાહત પેશગી મળવાપાત્ર થશે નહીં, પરંતુ આ ખાસ રોકડ યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મચારીઓના કિસ્સાંમાં, કર્મચારી દ્રારા રજા પ્રવાસ રાહત/ વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત નિયમોનુસાર મળવાપાત્ર થતી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ, તે રજાનું રોકડમાં રૂપાંતર કરવા બાબતમાં મળવાપાત્ર રજાઓમાં ગણતરીમા લેવાની રહેશે.

વધુમા જણાવાયું છે કે, ભાડાની સૂચિત રકમ કરતાં કર્મચારી દ્રારા ત્રણ ગણો ખર્ચ કરવામાં આવે તો, સુચિત ભાડાની રકમ મળવાપાત્ર બનશે. રજાનું રોકડમાં રૂપાંતર અને સૂચિત ભાડની રકમની પાત્રતા માટે કર્મચારી દ્રારા જીએસટી રજીસ્ટર્ડ વેપારી/ સેવા પુરી પાડનારા પાસેથી 12 ટકાથી ઓછો જીએસટી દર ન હોય તેવી કોઇ વસ્તુ ખરીદ કરવામાં / સેવા મેળવવામાં આવેલ હોય અને તે પરત્વેનું ચૂકવણું શક્યતહ ડીજીટલ માધ્યમ દ્રારા કરવામાં આવ્યું હોય તેમ જ જીએસટી નંબર અને ચૂકવેલ જીએસટીની રકમ દર્શાવતું ચલણ મેળવ્યું હોય તે ધ્યાનમાં લઇને જ રજાનું રોકડમાં રૂપાંતર જેટલી રકમ અને સૂચિત ભાડાથી ત્રણ ગણી રકમનો ખર્ચ કરવાનો રહેશે.

વધુમાં નાણાં વિભાગ દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કર્મચારીને મળવાપાત્ર રકમનું ચુકવણું આ પેકેજની કુલ રકમ ( એલટીસી માટે મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતર અને સૂચિત ભાડુ ) અથવા ખર્ચન મર્યાદામાં મળવાપાત્ર થશે. જે કર્મચારીના કિસ્સામાં રજાનું રોકડમાં રૂપાંતરનો લાભ મેળવ્યા સિવાય ખાસ રોકડ પેકેજનો લાભ મળવાપાત્ર બનતો હોય. તે કિસ્સામાં પણ મર્યાદામાં રકમ મળવાપાત્ર થશે. આ પેકેજનો લાભ 31 માર્ચ 2021 સુધીમાં લેવાનો રહેશે. આ બાબત પરત્વેના દાવાઓ શક્યતહ 31 માર્ચ સુધીમાં સરભર કરવામાં આવે તે જોવાનું રહેશે.

પ્રવર્તમાન નિયમોનુસાર રજાનું રોકડમાં રૂપાંતરના કિસ્સામાં ટીડીએસ લાગુ પડે છે. આ પેકેજ યોજના અંતર્ગત સૂચિત ખરેખર કરેલી મુસાફરીના બદલે એલટીસી ભાડુ સરભર કરવાનું નિયત કરવામાં આવેલું હોવાની બાબત ધ્યાને લેતાં આ રજાનું રોકડમાં રૂપાંતરની રકમ આવકવેરાના હેતુ માટે ગણતરીમાં લેવાની રહેશે નહીં. તેમ જ સૂચિત એલટીસી ભાડાને સરભર કરતા સમયે ટીડીએસની કપાત કરવાની રહેશે નહીં. આ પેકેજ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીએ ફરજીયાતપણે રજાનું રોકડમાં રૂપાંતર અને એલટીસી ભાડુ બંનેનો લાભ લેવાનો રહેશે. અને તો જ આ પેકેજનો લાભ મળવાપાત્ર થશે. આ અંગે વધુ સ્પષ્ટતાઓ પત્રકો મુજબ ધ્યાને લેવાની રહેશે તેમ જણાવાયું છે.

(5:19 pm IST)