Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

2017માં મહા મહેનતે રાજ્‍યસભાની જે બેઠક કોંગ્રેસ જીત્‍યુ હતુ તે હવે ભાજપના ખાતામાં જાય તેવી શક્‍યતા

ગાંધીનગર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના અવસાન બાદ ખાલી પડેલી તેમની રાજ્યસભા સીટ હવે ભાજપમાં ખાતામાં જઈ શકે છે. આ સીટ પર વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં મહામહેનતે અહેમદ પટેલે જીત મેળવી હતી.

ગત મહિને એક ખાનગી હોસ્પિટલમાં 71 વર્ષના અહેમદ પટેલનું અવસાન થઈ ગયું હતુ. તેઓ 5 વખત રાજ્યસભા માટે ચૂંટાઈ ચૂક્યાં હતા. 25 નવેમ્બરે તેના અવસાનના દિવસે જ આ સીટને ખાલી જાહેર કરી દેવામાં આવી હતી. આ સીટ પર એહમદ પટેલનો કાર્યકાળ 18 ઓગસ્ટ 2023 સુધીનો હતો.

આ સિવાય અન્ય એક રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજના અવસાન બાદ તેમની એક સીટ પણ ખાલી જાહેર કરી દેવામાં આવી છે. ભારદ્વાજનો કાર્યકાળ 21 જૂન 2026 સુધીનો હતો. હવે ચૂંટણી પંચે બન્ને બેઠકો પર અલગ-અલગ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના નિર્ણય બાદ આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય નક્કી મનાઈ રહ્યો છે.

જો ગુજરાતના રાજકીય સમીકરણ પર એક નજર નાંખીએ તો, રાજ્યમાં ભાજપના 111 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. રાજ્યસભા ચૂંટણી જીતવા માટે 50 ટકા મત એટલે 88 વોટ જરૂરી છે. ગત વર્ષે આજ પ્રકારે ભાજપે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા ખાલી કરવામાં આવેલી સીટો પર વિજય મેળવ્યો હતો.

જ્યારે 2019માં એક સીટ પર વિદેશ મંત્રી એસ જયશંકરે જીત મેળવી હતી. તેમની ચૂંટણીને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

(5:08 pm IST)