Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

4 જાન્‍યુઆરીથી તમામ ન્‍યાયાધીશ ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં આવેલ તેમની ચેમ્‍બરમાં બેસીને વીડિયો કોન્‍ફરન્‍સથી કેસની સુનાવણી કરશે

અમદાવાદ: કોરોના મહામારીને લીધે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 9 મહિનાથી જજીસ પોતાના સરકારી બંગલેથી વીડિયો કોંફરન્સથી કેસની સુનાવણી કરતા હતા, પરંતુ 4 જાન્યુઆરી 2021થી તમામ ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલ તેમના ચેમ્બરમાં બેસીને વિડિયો કોંફરન્સથી કેસની સુનાવણી કરશે.

23મી ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે 4 જાન્યુઆરી 2021ના રોજથી ગુજરાત હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ કોર્ટ પરિસરમાં આવેલા તેમના ચેમ્બરમાંથી કેસનો વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી હાથ ધરશે. 20મી ડિસેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની કમિટિ દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રીએ કોર્ટને લગતા તમામ વિભાગના વડા અને અધિકારીઓને ચેમ્બરમાંથી વીડિયો કોન્ફરેન્સ થકી સુનાવણી માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો આદેશ કર્યો છે.

12મી થી 14મી ડિસેમ્બર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને તેના પરિસરને AMC દ્વારા સેનીટાઈઝ કરવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન પણ ગુજરાત હાઈકોર્ટ અને તેના પરિસરની અંદર આવેલા કાયદા ભવન, જ્યુડિશિયલ એકેડમી ઓડિટોરિયમ, બેન્ક અને પોસ્ટ ઓફીસ તમામ વિભાગને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેનિટાઈઝ કરવામાં આવી હતી. ફિઝિકલ ફાઈલિંગ સેન્ટર પણ 3 દિવસના સમયગાળા માટે બંધ રાખવામાં આવ્યા હતા, જોકે કેસોની ઓલાઈન ફાઈલિંગની સુવિધા ચાલું રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટના પરિસરને સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટિસ જી.આર ઉધવાનીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. ગુજરાત હાઈકોર્ટમાં  ત્રણ ન્યાયાધીશના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એટલું જ નહિ ઘણા કર્મચારીઓના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા છે.

ગુજરાત હાઈકોર્ટે દિવાળી વેકેશન પહેલા જારી કરેલા આદેશ પ્રમાણે હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી અંગેનો નિણર્ય 20મી ડિસેમ્બરના રોજ લેવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ બાર એસસોશિયેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

(5:07 pm IST)