Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વડોદરાની સન ફાર્મા કંપની રાત્રીના ઝેરી ગેસ છોડતી હોવાની રાવઃ આસપાસની સોસાયટીના લતાવાસીઓને શ્વાસ લેવામાં મુશ્‍કેલીઃ આંખોમાં બળતરાની ફરિયાદ

વડોદરા: વડોદરામાં શિયાળામાં અનેક કંપનીઓ રાત્રે હવામાં ઝેરી ગેસ છોડતા હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે સન ફાર્મા રોડ પર આવેલી સન ફાર્મા કંપની પર સ્થાનિક લોકોએ રાત્રે ઝેરી ગેસ છોડતા હોવાનો આરોપ લગાવ્યો છે. ઝેરી ગેસના કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોને રાત્રે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. સાથે જ લોકોની આંખમાં બળતરા થાય છે. તેમજ લોકોને ઘરના બારી બારણા બંધ રાખવાની ફરજ પડે છે.

સન ફાર્મા કંપનીની આસપાસ રહેતા લોકોએ કંપનીમાં ફોન કરી અનેકવાર ગેસ ના છોડવા રજૂઆત કરી હતી. તેમ છતાં કંપની સંભાળતી ન હોવાથી લોકો રોષે ભરાયા છે. સ્થાનિક લોકોએ વડોદરામાં આવેલી જીપીસીબી કચેરી પર અધિકારીને રજૂઆત કરી છે. તેમજ સંબંધિત અધિકારીને કંપની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

મહત્વની વાત છે કે, સ્થાનિક લોકો આવેદનપત્ર આપવા પહોંચતા અધિકારી મીટિંગનું બહાનું કાઢી ભાગતા હતા. તેવામાં સ્થાનિક લોકોએ અધિકારીને કચેરીની બહાર પકડી ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ કંપની સામે ત્વરિત કાર્યવાહી કરવા માંગ કરી. જો જીપીસીબી કંપની સામે કાર્યવાહી નહી કરે તો લોકો કંપની બહાર જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

(5:02 pm IST)