Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વડોદરામાં રાજ્‍યની પ્રથમ અત્‍યાધુનિક ઓપન જેલનું નિર્માણઃ 11.28 કરોડના ખર્ચે 4.12 એકરમાં 12 બેરેક બનાવાયાઃ 60 કેદીઓને રાખી શકાશે

વડોદરા: પ્રથમ નજરે દેખાતુ આ દ્રશ્ય તમને કોઈ ખેતરનું લાગશે. પણ કોઈ તમને આ જેલ હોવાનું કહેશે તો તમને નવાઈ લાગશે. પરંતુ ખેતીનું કામ કરી રહેલા આ લોકો હકીકતમાં કેદીઓ છે. વડોદરામાં રાજ્યની પ્રથમ અત્યાધુનિક ઓપન જેલ તૈયાર કરાઈ છે. જેમાં કેદીઓ માટે હાઈટેક જેલ બનાવવામાં આવી છે. દંતેશ્વર વિસ્તારમાં 11.28 કરોડના ખર્ચે જેલ બનાવવામાં આવી છે. 4.12 એકરમાં બનેલી જેલમાં 12 બેરેક બનાવાયા છે. જેમાં પાકા કામના 60 કેદીઓ રાખી શકાશે. કેદીઓ મોકળાશભર્યા વાતાવરણમાં રહી શકે તે હેતુથી આ જેલ બનાવવામાં આવી છે.

જેલમાં એક ગૌ શાળા પણ બનાવાઈ છે. સરકારે 2015 માં ઓપન જેલ બનાવવાની દરખાસ્ત મંજુર કરી હતી. જેના બાદ 5 વર્ષમાં આ ઓપન જેલ તૈયાર થઈ છે. આ હાઈટેક જેલમાં મેડિટેશન હોલ, લાઈબ્રેરી, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડરી સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. તો જેલ બહાર ગુજરાતનો સૌથી પહેલો કેદી સંચાલિત પેટ્રોલ પંપ પણ તૈયાર કરાયો છે જેમાં કેદીઓ જ સેવા આપી રહ્યા છે.

જેલમાં જ વિવિધ પાકોનું વાવેતર પણ કરવામાં આવે છે. જે જેલના કેદીઓ માટે ઉપયોગમાં લેવાય છે. ઓપન જેલમાં જે કેદીઓનો સજા દરમિયાન વ્યવહાર સારો હોય તેમને તેવા કેદીઓને રાખવામાં આવે છે. સરકારે ઓપન જેલમાં સુપ્રિટેન્ડન્ટ સહિતના સ્ટાફની નિમણૂંક પણ કરી દીધી છે. જેલમાં જ સ્ટાફ અને કેદીઓને અનાજ, શાકભાજી, દૂધ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે.

ઓપન જેલના સુબેદાર ચંદન સિંહ જાદવ આ વિશે જણાવે છે કે, જેલમાં તમામ પ્રકારની સુવિધા છે. રસોડું , જીમ, સહિતની સુવિધા કેદીઓ માટે બનાવાઈ છે. સાથે જ ઓપન જેલ તૈયાર કરી કેદીને રાખવાનો ઉદ્દેશ છે કે કેદીઓને માનસિક શાંતિ મળે અને તેમના આયુષ્યમાં વધારો થાય. 

(5:01 pm IST)