Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ડુંગરી પોલીસે 91,200નો દારૂ ભરી સુરત જતો બોલેરો ટેમ્પો પકડી પાડ્યો

જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપુતએ બુટલેગરોની કમર તોડી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા હાથ ધરેલી કવાયતમાં એક બોલેરો મહેન્દ્ર પીકઅપને પકડી પાડી તેમાંથી રૂ. 91,200નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સાથે તેમાંથી સુરતના બે બુટલેગરોને પણ પકડી પાડ્યા હતા.  

    વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે ડુંગરી પીએસઆઇ રાજપુત, કોન્સ્ટેબલ પરેશ ભરતસિંહ અને લોકરક્ષક યાજ્ઞિક પટેલે હાઇવે પર હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઇ રાજપુતને દારૂ ભરી એક બોલેરો જઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના પગલે તેમણે હાઇવે પર નાકાબંધી કરી ત્યાંથી પસાર થતા એક બોલેરો પીકઅપ ટેમ્પો નં. GJ 05 BV 5573 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી દારૂની 1464 બોટલ કિં. રૂ. 91,200ની મળી આવી હતી.

 આ સાથે પોલીસે બોલેરોમાં સવાર સુરત પલસાણાના રવિન્દ્ર બાબુ પાટીલ અને જયપાલ ભગવાન પાટીલને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ બનાવ સંદર્ભે ડુંગરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી દારૂ ભરાવી આપનારા સુરતના રાજુને વોન્ટેડ જાહેર કર્યો છે.

(3:37 pm IST)