Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

૫૦ કિલોથી વધુનો કચરો સોસાયટીએ જાતે જ નિકાલ કરવાનો થશેઃ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧માં અમદાવાદને ફાઈવ સ્ટાર સિટી બનાવવા માટે ગાર્બેજ ફ્રી સિટી પ્રોટોકોલ હેઠળ એએમસીના નવા ગતકડાં

રાજકોટ,તા.૨૩: અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ શહેરી વિસ્તારોની સોસાયટીઓ તેમજ કોમર્શિયલ એકમોમાં ૫૦ કિલોથી વધુ કચરો ઉત્પન્ન થાય તો તેને વિભાજીત કરીને પ્રોસેસ કરવાની જવાબદારી તેમના પર લાદવાની નોટિસ જાહેર કરી છે. જેનાથી ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

AMCના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે અખબારોમાં એક નોટિસ આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વન-પર્યાવરણ મંત્રાલય દ્વારા અમલી બનેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અંતર્ગત શહેરી વિસ્તારમાં બલ્ક વેસ્ટ જનરેટરની વ્યાખ્યામાં આવતા તમામ એકમોને આદેશ આપવામાં આવે છે કે, તેમના દ્વારા ઉત્પન્ન થતાં કચરા પૈકી કેટલોક ચોક્કસ કચરો તેમણે જાતે મેનેજ કરવાનો રહે છે. તેથી ખ્પ્ઘ્ જાહેર નોટિસ દ્વારા રોજ ૫૦ કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતાં તમામ પરિસરો, બિલ્ડિંગો અને સોસાયટીઓને આદેશ આપે છે કે, નોટિસ જાહેર થયાના ૩૦ દિવસની અંદર પોતાના ઘન કચરાને ત્રણ કેટેગરીમાં (બાયોડીગ્રેડેબલ, નોન બાયોડીગ્રેડેબલ, ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ) વિભાજિત કરવાનો રહેશે. આ સિવાય બાયોડીગ્રેડેબલ કચરાનું પ્રોસેસિંગ પોતાના જ પરિસરમાં કરવાનું રહેશે અથવા તેનો નિકાલ કોઈ એજન્સી દ્વારા કરવો પડશે.

આટલું જ નહીં, આ એકમો દ્વારા દરરોજ ૫૦ કિલોથી ઓછો કચરો ઉત્પન્ન કરવામાં આવે છે તેવી સ્પષ્ટતા ૨૦ દિવસમાં રજૂ નહીં કરવામાં આવે તો દરેક રેસિડેન્શિયલ વેલ્ફેર અસોસિએશન, માર્કેટ અસોસિએશન, હોટેલ-રેસ્ટોરન્ટ તેમજ કોમર્શિયલ એકમોને બલ્ક વેસ્ટ જનરેટરની વ્યાખ્યામાં આપમેળે સામેલ કરવામાં આવશે અને તેમની સામે દંડ સહિતની કાર્યવાહી થશે.

સોલિડ વેસ્ટની નોટિસ અંગે હજુ સુધી સોસાયટીઓ વગેરેને જાણ થઈ નથી. પરંતુ ભાજપના પૂર્વ કોર્પોરેટરોએ આ મામલે આક્રોશ વ્યકત કર્યો હતો.

મહાનગરપાલિકાનો બચાવ

સોલિડ વેસ્ટની નોટિસથી વિવાદ સર્જાયા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ તેવી સ્પષ્ટતા કરી હતી કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ ચાલુ વર્ષએ સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરોમાં ઉત્પન્ન થતાં કચરાને રિડ્યૂસ, રિયુઝ અને રિસાયકલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧માં અમદાવાદને ફાઈવ સ્ટાર સિટી બનાવવા માટે ગાર્બેજ ફ્રી સિટી પ્રોટોકોલ મુજબ ૫૦ કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતાં એકમોએ પોતાના જ સ્થળે કચરાનું વિભાજન અને પ્રોસેસ કરવું આવશ્યક છે.

(3:04 pm IST)