Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાષ્ટ્રીય ખેડૂત દિવસ

બારડોલી સત્યાગ્રહ : ખેડૂતોનો જોમ-જુસ્સો જોઇ ગાંધીજીએ સરદાર પટેલને જવાબદારી સોંપેલ

બારડોલી,તા. ૨૩: વર્ષ ૧૯૨૮માં અંગ્રેજી શાસનમાં લગાનમાં ભારે વધારાના વિરોધમાં સરદાર પટેલે બારડોલીમાં સત્યાગ્રહ કરેલ. આ આઝાદીની લડાઇની પહેલી મોટી જીત હતી અને વિશ્વમાં 'બારડોલાઇઝડ ઇન્ડીયા'નો નારો ગુંજી ઉઠેલ. પણ આ સત્યાગ્રહ માટે બારડોલીને જ કેમ પસંદ કરાયુ તથા સરદાર પટેલને જ જવાબદારી સોંપવા પાછળના કારણો હતા.

બારડોલીમાં સ્વરાજ આશ્રમના ડો.પ્રજ્ઞા કલાર્થી જણાવે છે કે વર્ષ ૧૯૨૭માં બ્રિટીશ સરકારે ખેડૂતોની જમીન ઉપર અચાનક કર વધારી દીધો. ત્યારે વિરોધમાં ખેડૂતોએ આંદોલન નક્કી કરેલ. આ આંદોલન કોના નેતૃત્વમાં કરાય તે માટે ખેડૂતો ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમ ગયેલ. ગાંધીજીએ ખેડૂતોના જોમ અને જુસ્સાને જોઇ વકીલ મિત્ર વલ્લભભાઇ પટેલને મળવા કહ્યું. ત્યારબાદ વલ્લભભાઇએ ખેડૂતોને પુછેલ કે તમે તમારા વિસ્તારના ખેડૂતોને પુછો કે તેઓ સત્યાગ્રહ માટે બધુ લુંટાવા તૈયાર છે ? બધા ખેડૂતો પાસેથી સહમતી મળતા વલ્લભભાઇ બારડોલી જવા તૈયાર થયા.

ગાંધીજી પોતે વિશ્વના મોટા લીડર તરીકે ઉભરી રહ્યા હતા. તેમનામાં નેતૃત્વ ઓળખની ક્ષમતા ગજબની હતી. જ્યારે ગાંધીજીએ ખેડૂતોમાં જોમ-જુસ્સો જોયો ત્યારે સરદાર પટેલમાં તેમને ખેડૂતોના નેતા દેખાયા હતા. ડો.પ્રજ્ઞાએ વધુમાં જણાવેલ કે સરદાર પટેલનું ચયન એટલા માટે પણ કરાયેલ કેમ કે તેઓ ખેડૂતો પુત્ર હતા. જેથી સમસ્યા સારી રીતે સમજી શકે અને ખેડૂતોની ભાષામાં જ સંવાદ કરી શકે.

બીજુ કારણ એ હતુ કે સરદાર પટેલ એવા વકીલ હતા કે જેઓ અંગ્રેજો વિરૂધ્ધ લખી શકતા અને ત્રીજુ કારણ એ હતુ કે ગાંધીજી સરદાર પટેલના મજબુત નેતૃત્વને ઓળખતા હતા. જેથી કહી શકાય કે ગાંધીજી અને સરદાર પટેલ એકબીજાના પૂરક બની ગયા હતા.  (૨૨.૧૯)

બારડોલી જ શું કામ ?

ગુજરાતમાં બારડોલી ગામ જ એક માત્ર એવું હતું. જ્યાંના પોલીસ સ્ટેશનમાં એક પણ ફોજદારી કેસ દાખલ ન હતો. દક્ષીણ આફ્રિકામાં બારડોલીના લોકોએ ગાંધીજીના સત્યાગ્રહમાં મદદ કરી હતી. ગાંધીજી આ જમીનને અહીંસાની પ્રયોગભૂમિ માનવા લાગેલ. એટલા માટે જ વલ્લભભાઇએ પણ સત્યાગ્રહ માટે બારડોલી જ પસંદ કર્યું. બારડોલી સત્યાગ્રહ ૪ માર્ચથી ૬ ઓગસ્ટ ૧૯૨૮ સુધી ચાલેલ.

(11:09 am IST)