Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

૭ વર્ષમાં ૪૯૦૦૦ પોલીસ કર્મચારીઓની ભરતી થઇ : હજુ ૧૩૦૦૦ની થશે નિમણુંક

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવાશે : પોલીસ સ્ટેશનોની સંખ્યા પણ વધશે

અમદાવાદ,તા.૨૩: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ, પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સદ્યન આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં ૪૯,૦૦૦થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે. અને આગામી વર્ષે વધુ ૧૩,૦૦૦ કર્મીઓની ભરતી કરાશે. પોલીસ કર્મીઓને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે, તેવું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે પોલીસ હાઉસીંગ, બોર્ડર સિકયુરીટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી – આબકારી, બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ – ધારાસભ્ય પરામર્શ સમિતિની મળેલી પરામર્શ સમિતિની બેઠકમાં મંત્રી જાડેજાએ તમામ ધારાસભ્યોના કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે કરાયેલા સૂચનોને આવકાર્યા હતા.

 પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે રાજયમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે એ માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ કરી રહી છે ત્યારે મેનપાવર, સ્કીલ અપગ્રેડેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજય સરકાર આગળ વધી રહી છે.

 જાડેજાએ વધુમાં કહયું હતુ કે રાજયમાં કન્વિકશન રેટ વધે તે માટે કન્વિકશન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. તેમાં ૨૪ કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઇ રહ્યું છે. નિવૃત્ત્। પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જોગવાઇ કરાઇ છે. આ પ્રોજેકટ હેઠળ ઇન્વેસ્ટીગેશન માટે અલાયદો રૂમ, કોલ સેન્ટર, FIR ડ્રાફ્ટીંગ માટે રક્ષાશકિત યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથા FSLની સેવાઓને વધુ સંગીન રીતે લાભ લેવાશે.

 આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા પોલીસ આવાસ, મહેકમ, નવા પોલીસ સ્ટેશનો, વાહનો, નાર્કોટીકસના કાયદાની વધુ તીવ્રતાથી અમલવારી વ્યાજખોરોથી ગરીબ પરિવારોને બચાવવા અસામાજિક તત્વોની હેરાનગતિ સંદર્ભે પોલીસની કામગીરીની વધુ સદ્યન બનાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.

 આ પરામર્શ બેઠકમાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સહિત ગૃહ વિભાગના અને એન.આર.જી. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.

(10:27 am IST)