Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

અમદાવાદ : તલવાર મારતા મહિલાને ૮૮ ટાંકા આવ્યાં

નજીવી બાબતે થયેલા ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ લીધું : આંબાવાડીમાં રહેતી મહિલાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ,તા.૨૨ : કહેવાય છે કે ક્ષણિક માટેનો ગુસ્સો ક્યારેક મોટું નુકસાન પહોંચાડી શકે છે. અનેક વખત આવા બનાવો બનતા હોય છે જ્યાં રાઈનો પહાડ થઈ ગયો હોય છે. શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં પહેલા પાડોશી સામે ફરિયાદ નોંધાવી હતી, જે બાદમાં એવું કામ કર્યું કે પોતે જ આરોપી બની ગયા હતા. આંબાવાડી વિસ્તારમાં રહેતા સાવિત્રીબેન ભીલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના બ્લોકની સામે રહેતા લક્ષ્મણભાઈ સાથે તેમને સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જે બાબતે સમાધાનની વાતચીત ચાલી રહી હતી પરંતુ લક્ષ્મણજીએ સમાધાન કરવાની ના પાડી દીધી હતી. જે બાદમાં તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. ફરિયાદીએ નીચે જઈને તેમને આવું ન કરવા માટે કહેતા લક્ષ્મણભાઈ અને તેમના ભત્રીજા ઉશ્કેરાઈ ગયા હતા.

લક્ષ્મણભાઈના ભત્રીજાએ ફરિયાદીના સંબંધીને હાથના ભાગે પાઈપનો ફટકો માર્યો હતો. આટલું જ નહીં, લક્ષ્મણભાઈની દીકરીએ ફરિયાદીના વાળ પકડીને તેમને નીચે પાડી દીધા હતા. ફરિયાદી ઊભા થવા જાય તે પહેલા જ લક્ષ્મણભાઈએ ક્યાંથી તલવાર લઈને તેમને મોઢાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. જેથી ફરિયાદી લોહીલુહાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ફરિયાદીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં મહિલાને ૮૮ ટાંકા લેવા પડ્યાં હતાં. આ દરમિયાન કનુભાઈ નામના એક વ્યક્તિ પણ બંને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તેમને કલ્પેશ ઉર્ફે દપ્પા એ ચપ્પાનો એક ઘા માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(8:47 pm IST)