Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પોપ્યુલર બિલ્ડર અને મળતીયા વિરૂધ્ધ વધુ એક ફરિયાદ : રેવન્યુ રેકર્ડમાં ખોટી વિગત દર્શાવી જમીન હડપી લીધી

મૂળ માલિકની જમીનની વેચાણ નોંધ રેવન્યુ રેકર્ડમાં પતિ-પત્ની વચ્ચે થયેલા વેચાણ દસ્તાવેજની આડમાં પડાવી

અમદાવાદ : થલતેજની કરોડો રૂપિયાની જમીન હડપી લેવાની વધુ એક ફરિયાદ સોમેવશ્વરદર્શન સહકારી મંડળીના હોદ્દેદાર એવા પોપ્યુલર બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ અને તેના મળતીયાઓ વિરૂધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રમણ પટેલ અને તેના મળતીયાઓએ મૂળ માલિકની જમીનની વેચાણ નોંધ રેવન્યુ રેકર્ડમાં પતિ-પત્ની વચ્ચે થયેલા વેચાણ દસ્તાવેજની આડમાં પડાવી હતી. આ રીતે આરોપીઓ જમીન હડપીને બેઠા હતા

થલતેજ ગામમાં આંબલી વાસમાં રહેતા ખોડાજી વિસાજી ઠાકોર (ઉં,85)એ સોલા પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે 8.15 વાગ્યે આરોપી સોમેશ્વરદર્શન ખેતી સહકારી મંડળીના હોદ્દેદાર રમણ ભોળીદાસ પટેલ, સંદીપ કેશવલાલ પ્રજાપતિ, પરષોત્તમ રેવનદાસ, કાનજી રેવનદાસ, પ્રભુ રેવનદાસ અને રેવનદાસ કહરાભાઈ અને અન્યો વિરુદ્ધ ફરિયાદ કરી છે. 

જે મુજબ વર્ષોથી આ જમીન પર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખોડાજીએ ઉંમર થતા જમીનની 7/12ની નકલ રેવન્યુ રેકર્ડમાંથી કઢાવી હતી. નકલ જોઈ તેમના પગ નીચેથી જમીન ખસી જાય તેવી હાલત ખોડાજીની થઈ હતી. જમીનની નકલમાં સોમેશ્વરદર્શન ખેતી સહકારી મંડળીનું નામ ચડેલું અને ખોડાજીનું નામ નીકળી ગયું હતું.

જમીન કાયદાના જાણકાર પાસે સલાહ લઈ તપાસ કરાવતા ખોડાજીની જમીનમાં મે.પઢાર એન્ડ કુ.ના ભાગીદાર પરષોત્તમ રેવનદાસ, પ્રભુ રેવનદાસ, કાનજી રેવનદાસ અને રેવનદાસ કહરાભાઈના નામની રેવન્યુ રેકર્ડમાં વેચાણની નોંધ નં.5041 ગત તા. 20-9-1975થી પડેલ હતી.જેમાં વેચાણ આપનાર તરીકે ખોડાજીને બતાવેલ હતા. વેચાણ લેનાર તરીકે ઉપરોક્ત ચાર ઇસમોના નામ હતા. તે પછી રેવનદાસ કહરાભાઈનું અવસાન થતાં પરષોત્તમ, પ્રભુ અને કાનજીના નામો વારસાઈ નોંધ 5272થી ગત તા. 20-9-1977થી ચઢાવવામાં આવ્યા હતા.

 જોકે ખોડાજી આવી કોઈ વ્યક્તિઓને ઓળખતા ન હતા કે તેઓએ જમીન કોઈને વેચી ન હતી. કોઈ સરકારી કચેરીમાં જઈ તેઓએ કોઈ કાગળો કે દસ્તાવેજ પર સહી કે અંગુઠો કર્યો ન હતો. ખોડાજીએ આ અંગે વધુ તપાસ કરાવતા જાણવા મળ્યું કે તેઓ અને તેમની પત્ની વચ્ચે જમીન અને મિલકતની વહેંચણીનો કરાર ગત તા. 20-8-1975ના રોજ થયો હતો. જે વહેંચણી કરાર રજીસ્ટર્ડ દસ્તાવેજ નંબર 12133થી રજીસ્ટર થયો હતો. જે કરારમાં જમીન અને મિલકતની કિંમત રૂ. 6087 બતાવી હતી. તે વહેંચણી દસ્તાવેજની વિગતો આરોપીઓએ સરકારી કર્મચારીઓ સાથે મળી રેવન્યુ રેકર્ડમાં જમીનની વેચાણ નોંધ-5041માં બતાવી એન્ટ્રી પડાવી હતી.

એ નોંધમા આરોપીઓએ રેવન્યુ રેકર્ડમાં પોતાના નામ ચડાવ્યા બાદ આ જમીનમાં સોમેશ્વરદર્શન સહકારી ખેતી મંડળીનું નામ સરકારી રેકર્ડમાં ચડાવ્યું હતું. સોમેશ્વરદર્શન ખેતી મંડળીના હોદ્દેદાર સંદીપ કેશવલાલ પ્રજાપતિએ સહકારી મંડળીનું અલગ અલગ મંડળીમાં વિભાજન કરી પોતે વહીવટ કરતા આવ્યા હતા. આ રીતે સોમેશ્વરદર્શન ખેતી સહકારી મંડળીના હોદ્દેદાર રમણ ભોળીદાસ પટેલ, સંદીપ કેશવલાલ પ્રજાપતિ, પરષોત્તમ રેવનદાસ, કાનજી રેવનદાસ, પ્રભુ રેવનદાસ અને રેવનદાસ કહરાભાઈએ પૂર્વયોજિત કાવતરૂ રચી ખોડાજીની જમીન હડપી લીધી હતી.

(10:05 pm IST)