Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે ત્યારે જ વર્ગ ઘટાડાની વિગતો માંગતા આશ્ચર્ય : સંયુક્ત શિક્ષણ નિયામક દ્રારા તમામ ડીઇઓ સાથે વિડિઓ કોન્ફ્રન્સ

વર્ગ દીઠ વિદ્યાર્થી સંખ્યા ઘટાડવાના ગણતરીના કલાકમાં જ વિગતો માંગતા ડીઇઓમાં ચર્ચા

અમદાવાદ : કોવિડ 19ની મહામારીના કારણે ગુજરાતમાં હજુ સુધી શાળાઓ રેગ્યુલર ધોરણે શરૂ થઇ શકી નથી. ત્યાં સુધી કે શાળામાં હજુ પણ કેટલાંય વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી. આ બાબતોને નજર સમક્ષ રાખીને જ શિક્ષણ વિભાગ તરફથી ધો.9થી 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની છેલ્લી તક આપતો પરિપત્ર તા.21મી ડિસેમ્બરના રોજ બહાર પાડયો હતો. જેમાં 31 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ મેળવી લેવા જણાવ્યું છે

   ત્યારપછી તારીખ લંબાવવામાં નહીં આવે તેવી તાકીદ કરાઇ છે. આમ પ્રવેશ પ્રક્રિયા બાકી છે ત્યાં જ કમિશનર ઓફ સ્કૂલ્સ દ્વારા મંગળવારે રાજયની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કેટલાં વર્ગ ઘટાડા થાય છે, કેટલાં શિક્ષકો ફાજલ થાય છે. ફાજલ થતાં શિક્ષકો પૈકી કેટલાં શિક્ષકોને હાલની જોગવાઇઓ અનુસાર ફાજલનું રક્ષણ મળવાપાત્ર થાય છે વગેરે વિગતો કમિશનર શાળાઓની કચેરી દ્વારા માંગવામાં આવી છે. ત્યાં સુધી કે આ વિગતો સાથે આવતીકાલે તા.23મી ડિસેમ્બરના રોજ યોજાનારી વિડીયો કોન્ફરન્સમાં હાજર રહેવા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. આમ વિરોધાભાસી પગલાંએ શિક્ષણ સાથે સંકળાયેલા લોકોમાં ચર્ચા જગાવી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી કેટલાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે તે હજુ નક્કી નથી. વિદ્યાર્થી સંખ્યાના આધારે વર્ગ વધારા-ઘટાડવાની તેમ જ શિક્ષકોને ફાજલ કરવાની કામગીરી નિર્ભર છે

આ અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે ધો.9થી 12ની પ્રવેશની કામગીરી 31 ડિસેમ્બર સુધી ચાલવાની છે ત્યારે આ વિગતો માંગવાની બાબત સુસંગત નથી. આ પ્રકારની તમામ કાર્યવાહી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં રાખવાની માંગણી કરી છે.

પ્રવેશની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારી નિયમ મુજબ વર્ગ પ્રમાણેની સંખ્યાની ગણતરી મૂકીને વર્ગમાં ઘટાડા- વધારા કરવામાં આવતાં હોય છે. વર્ગ પ્રમાણે વધારાના શિક્ષકોને ફાજલ કરવામાં આવતાં હોય છે. જયાં વર્ગ વધ્યા હોય ત્યાં શિક્ષકોની નિમણૂંકો કરાતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે શાળામાં પ્રવેશથી માંડીને શાળા શરૂ કરવા સુધીની બાબત અનિર્ણાયક છે. તેમાંય વળી શિક્ષણ વિભાગે ગઇકાલે 21 ડિસેમ્બરના રોજ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને વર્ગ દીઠ વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે

 

આ ઉપરાંત ધો.9થી12માં પ્રવેશ ચાલુ છે. તેવા સમયે કમિશનર ઓફ સ્કૂલ્સના સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડાએ રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને નવા ઠરાવથી નિયત થયેલી જોગવાઇ અનુસાર આપના જિલ્લા નિયંત્રણ હસ્તકની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કેટલાં વર્ગ ઘટાડા થાય છે, કેટલાં શિક્ષકો ફાજલ થાય છે. ફાજલ થતાં શિક્ષકો પૈકી કેટલાં શિક્ષકોને હાલની જોગવાઇઓ અનુસાર ફાજલનું રક્ષણ મળવાપાત્ર થાય છે. તથા કેટલાંને મળવાપાત્ર નથી. તેની વિગતો તા.23મી ડિસેમ્બરના રોજ બપોરે 2 કલાકે યોજાનારી વિડીયો કોન્ફરન્સમાં જણાવવાની રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તાકીદ કરાઇ છે.

વધુમાં એમ પણ જણાવાયું છે કે, રાજયની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની આગામી ભરતી પ્રક્રિયા માટે આપના જિલ્લાના નિયંત્રણ હસ્તકની શાળાઓમાં રક્ષણપાત્ર ફાજલ શિક્ષકોને સમાવ્યા બાદ વિષયવાર શિક્ષણ સહાયકોની કેટલી જગ્યાઓ ખાલી રહે છે તે વિગતો પણ સાથે લાવવા સૂચના જારી કરી છે

(10:32 pm IST)