Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

તીડને રોકવા હેલિકોપ્ટરથી દવા છાંટવા ખેડૂતોનો સરકારને પત્ર

હાલના તબક્કે કલેકટર દ્વારા માંગનો અસ્વીકાર : તીડનો ઉપદ્રવ થતાં ઊભા પાકને નુકસાનથી ખેડૂત ચિંતામાં ખેડૂત સમુદાયે પત્રમાં ૪૦ વર્ષ અગાઉનું ઉદાહરણ આપ્યું

અમદાવાદ, તા.૨૩ : કચ્છ અને બનાસકાંઠા તેમ જ મહેસાણામાં તીડના ટોળાના આક્રમણ બાદ ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને ઉપદ્રવ મચાવતા તીડ પર હેલિકોપ્ટર વડે દવાનો છંટકાવ કરીને આગળ વધતા તેને અટકાવવા માટેની ઉગ્ર માંગણી અને રજૂઆત કરી છે. સાથે સાથે ખેડૂત સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ૪૦ વર્ષ અગાઉ હેલિકોપ્ટર દ્વારા દવા છંટાયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, બનાસકાંઠા કલેકટરે હાલના તબક્કે હેલિકોપ્ટરની માંગણી સ્વીકારવાનું શકય નહી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સુરત ખેડૂત સમાજના આગેવાન જેયશ એન પટેલ દ્વારા લખાયેલા પત્રમાં રાજ્ય સરકારને રજૂઆત કરાઇ છે કે, તીડનો ઉપદ્રવ બીજા કોઈ સાધનોથી કાબૂમાં આવી શકે તેમ નથી તો સરકારે તાકીદે નિર્ણય લઈ હેલિકોપ્ટર દ્વારા તીડ પ્રભાવિત વિસ્તારમાં જંતુનાશક દવાનો હવાઈ સ્પ્રે કરી તીડનો ઉપદ્રવ અટકાવવો જોઈએ.

            ૪૦ વર્ષ અગાઉ દક્ષિણ ગુજરાતમાં શેરડી તથા કપાસના પાક ઉપર સફેદ માખીનો ઉપદ્રવ થયો હતો ત્યારે સુગરમીલો અને રાજ્ય સરકારના ખેતીવાડીના સહયોગથી પાક ઉપર હેલિકોપ્ટર દ્વારા જંતુ નાશક દવાનો છંટકાવ કરીને ઉપદ્રવ અટકાવવામાં આવ્યો હતો. જેથી પાકને નુકસાન થતું પણ અટકેલું આ વાતને ધ્યાનમાં લઈ નિર્ણય કરવા ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખાયો છે. જો કે, બનાસકાંઠા કલેકટરે હાલના તબક્કે હેલિકોપ્ટરની માંગણી સ્વીકારવાનું શકય નહી હોવાનું સ્પષ્ટ કર્યું હતું અને જણાવ્યું હતું કે, દવાની અસર ખૂબ ઝેરી હોય છે અને તેથી હેલિકોપ્ટર મારફતે દવાનો છંટકાવ કરવાથી તેની વ્યાપક અને ગંભીર અસરો થવાની દહેશત છે, જેમાં માનવજાત અને અન્ય પ્રાણીઓને પણ અસર થાય તેમ છે ત્યારે હાલના તબક્કે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો યોગ્ય નથી. હાલ, રાત્રિના સમયે દવાના છંટકાવ અને અન્ય પધ્ધતિઓ દ્વારા તીડને રોકવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

(8:47 pm IST)