Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

કોર્પોરેટર મિટિંગમાં લોકોને એકઠા કરવા કહી રહ્યા હતા

શહેજાદનો નવો વિડિયો સપાટી ઉપર આવ્યો : શહેજાદ જામિયા યુનિવર્સિટી વિદ્યાર્થીનું ઉદાહરણ ટાંકતો દેખાયો : પોલીસની વિડિયો સહિત પાસાઓને લઇ તપાસ

અમદાવાદ, તા.૨૨  : શહેઝાદ ખાન પઠાણનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે. તા.૧૯મી તારીખે મોટી સંખ્યામાં શાહઆલમ ખાતે વિરોધમાં આવવા માટે લોકોને કહ્યું હતું. સાથે તેણે કોઈપણ પ્રકારની હિંસા ન કરવા આહવાન કર્યું હતું. પોણા ત્રણ મિનિટના વીડિયોમાં કોર્પોરેટર શહેજાદ મીટીંમાં લોકોને વિરોધ કરવા વધુમાં વધુ લોકોને એકઠા થવા કહે છે. તેમાં જામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ઉદાહરણ પણ ટાંકે છે. આમ, શહેજાદે નાગરિકતા કાયદાનો વિરોધ કરવા મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેર્યા હોવાની વાત સામે આવતાં હવે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે સામે આવેલા વીડિયોની પણ તપાસ  પણ શરૂ કરી છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, તોફાનોના આગલા દિવસે તા.૧૮ ડિસેમ્બરે રાતે ધાર્મિક સ્થળ પર શહેજાદખાન પઠાણ અને મુફીસ અન્સારીએ ત્રણ અલગ અલગ જગ્યાએ મીટીંગ કરી હતી. બાદમાં એમ.એસ.નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવી અલગ-અલગ વિસ્તારમાંથી લોકોને ભેગા કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે લોકોને ડિટેઇન કર્યા ત્યારે આ વોટ્સએપમાં મેસેજો કરવામાં આવ્યા હતા.

              અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી.ગોહીલે જણાવ્યું કે, શાહેઆલમ વિસ્તારમાં અમદાવાદ બંધ દરમ્યાન પોલીસ પર હુમલો, ઉશ્કેરણી અને પથ્થરમારો કરવા મામલે દાખલ થયેલા ગુના સંદર્ભે ગઇકાલે કુલ ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નાગરિક્તા એક્ટના વિરોધમાં તા.૧૯ તારીખે સભા માટે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મુફીસ અહેમદ અન્સારીએ અરજી આપી હતી. જેના અનુસંધાને તા.૧૭ અને ૧૮ ડિસેમ્બરે સભાની અરજી સંદર્ભે મુફીસ, કોર્પોરેટર શહેજાદખાન પઠાણ( સનીબાબા) અને દાણીલીમડા વોર્ડ પ્રમુખ સલીમખાનને પોલીસ મથકે બોલાવી સભા નહીં કરવા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

          ત્યારે આગેવાનોએ મંજૂરી તમે કેમ આપતા નથી, હવે જોઈ લઈશું તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ બંધના એલાનના મેસેજ ફરતા કરાયા હતા. આમ લોકોને ઉશ્કેરણી કરી હતી જેને પગલે ગુરુવારે સાંજે શાહઆલમ વિસ્તારમાં હિંસા-તોફાન ફાટી નીકળ્યા હતા.  શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો કરવા મામલે પોલીસે ૫ાંચ હજાર લોકોના ટોળાં સામે દાખલ કરેલા કેસ બાબતે પોલીસે ધરપકડનો દોર જારી રાખી અત્યારસુધીમાં ૬૪થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ૪૯ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલામાં શાહઆલમમાં રેલી માટે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપનારા મુફીસ અન્સારીનો પણ સમાવેશ થાય છે.

(9:50 pm IST)