Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલના C -8 વોર્ડને શ્રેષ્ઠ શણગાર કરવા બદલ પ્રથમ ઇનામ મળ્યું

દિવાળીના સમયગાળામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અફસોસ ના થાય તે માટે વોર્ડ શણગારાયા : અલગ અલગ 7 કેટેગરીમાં અલગ અલગ વોર્ડને ઇનામો અપાયા

અમદાવાદ :દિવાળીના સમયગાળામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ખુશ રહે અને તેમને હોસ્પિટલમાં હોવાનો અહેસાસ ના થાય તે હેતુથી દરેક વોર્ડ સુશોભિત – શણગાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ વોર્ડ સજાવવામાં સ્ટાફનો પણ ઉત્સાહ જળવાઈ રહે તે માટે ઇનામો રાખવામાં આવ્યા હતા. વોર્ડની કેટેગરીમાં શ્રેષ્ઠ શણગાર કરવા બદલ C- 8 વોર્ડને પ્રથમ ઇનામ મળ્યું હતું. આ જ રીતે અલગ અલગ 7 કેટેગરીમાં અલગ અલગ વોર્ડને ઇનામો આપવામાં આવ્યા છે

ન્યુ સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ દ્વારા કોરોના વોરિયર્સનો સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ દિવાળી સમયે હોસ્પિટલના તમામ વોર્ડ સુશોભિત શણગાર કરનાર વોર્ડને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં નાયબ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આર. આર. પટેલ, નર્સિગ સુપ્રિટેન્ડેન્ટ બાબુભાઈ પ્રજાપતિ, લીલામણી સેવા સંસ્થાના ચેરમેન નરેન્દ્રભાઈ મોદી અને સેક્રેટરી નલીનીબેન મોદી ઉપસ્થિત રહી સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ તથા દિવાળીના સમયગાળામાં દરેક વોર્ડ સુશોભિત – શણગાર કરી દર્દીઓને અહેસાસ ન થાય કે તેઓ હોસ્પિટલમાં છે તે માટે કરેલી કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. તેમજ આ સુશોભિત-શણગારમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે આવનાર વોર્ડના ઇન્ચાર્જ સિસ્ટર અને સ્ટાફને ઉપરોક્ત મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

(11:28 pm IST)